
તાજેતરમાં સોશિયલ મીડિયા પર રોડ પર પડેલા એક ખાડામાં પડેલા બાઈક સવારનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતમાં રોડ પર એવા ખાડા પડ્યા છે કે બાઈક સવાર ખાડામાં પડી ગયો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રોડ પર પડેલા એક ખાડામાં પડેલા બાઈક સવારનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ગુજરાતનો નહીં પરંતુ પંજાબના મોગા શહેરમાં માર્ચ 2025માં બનેલી ઘટનાનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ કે ગુજરાત સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે?
એક સોશિયલ મીડિયા યુઝર દ્વારા 19 ઓગસ્ટ, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, 🚧 ગુજરાત ના રોડ અને શહેરો માં આજકાલ ગમે ત્યારે આવા “ખાડા” મળી શકે છે!
આગળ ની ગાડી પર વિશ્વાસ રાખીને ન ચાલો…
⚠️ નજર હટી તો દુર્ઘટના ઘટી……….!
સાવચેત રહો – સલામત રહો 🙏. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતમાં રોડ પર એવા ખાડા પડ્યા છે કે બાઈક સવાર ખાડામાં પડી ગયો.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ જાણવા મળ્યું હતું કે, બાઈક સવારની આગળ જઈ રહેલી કારની નંબર પ્લેટ પર PB લખેલું છે એટલે એનો મતલબ એ થયો કે એ કાર પંજાબની છે. વધુમાં બાઈક સવારે પણ માથા પર પાઘડી પહેરેલી હોવાથી અમને આ વીડિયો પંજાબનો હોવાની શંકા ઉભી થઈ.

ત્યાર બાદ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આ જ વીડિયો સાથેના સમાચાર India TV દ્વારા તેના સત્તાવાર યુટ્યુબ પર 22 માર્ચ, 2025ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, પંજાબના મોગામાં શેખાવાલા ચોક માર્કેટમાં રસ્તા પર એક મોટો ખાડો પડ્યો હતો. મોટાભાગના લોકો આ ખાડાથી બચીને ચાલતા હતા પરંતુ એક બાઈક સવાર કારની પાછળ અડીને ચાલતો હોવાથી તેને આ ખાડો ના દેખાયો અને તે બાઈક સાથે એ ખાડામાં પડ્યો.
ઉપરોક્ત આ જ માહિતી અને વીડિયો સાથેના સમાચાર અન્ય મીડિયા માધ્યમો દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે અહીં જોઈ શકો છો. News 18 India | News 18 Punjab
અમારી વધુ તપાસમાં અમને આ જ સમાચાર લાઈવ હિંદુસ્તાન દ્વારા પણ 26 માર્ચ, 2025ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

આ જ સમાચાર અન્ય મીડિયા માધ્યમો દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે અહીં જોઈ શકો છો. timesofindia.indiatimes.com | cartoq.com
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રોડ પર પડેલા એક ખાડામાં પડેલા બાઈક સવારનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ગુજરાતનો નહીં પરંતુ પંજાબના મોગા શહેરમાં માર્ચ 2025માં બનેલી ઘટનાનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ કે ગુજરાત સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાણો ગુજરાતમાં રોડ પર પડેલા ખાડામાં પડેલા બાઈક સવારના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False
