
12 જૂન 2025ના રોજ, એર ઇન્ડિયાની એક ફ્લાઇટ અકસ્માતનો ભોગ બની. વિમાન થોડીવારમાં ઊંચાઈ ગુમાવી બેઠું અને એરપોર્ટ નજીકના મેઘાણી નગર વિસ્તારમાં ક્રેશ થયું, જેના કારણે તેમાં આગ લાગી ગઈ. આ સંદર્ભમાં, એક વીડિયો ઝડપથી શેર કરવામાં આવી રહ્યો છે જેમાં એક નાની છોકરી રડતી અને એક પુરૂષની છાતી પર વળગી રહીને તેને છોડવા ન દેવા વિનંતી કરતી જોઈ શકાય છે, જ્યારે તે પુરુષ તેને બીજા વ્યક્તિને સોંપવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ પોસ્ટને દાવા સાથે શેર કરવામાં આવી છે કે, “આ વીડિયો અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા એક પુરૂષનો છે, જેની પુત્રી તેને એરપોર્ટ પર લંડન જતા અટકાવી રહી હતી.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 13 જૂન 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વીડિયો અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા એક પુરૂષનો છે, જેની પુત્રી તેને એરપોર્ટ પર લંડન જતા અટકાવી રહી હતી.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
તપાસની શરૂઆતમાં, અમે વાયરલ વીડિયોના કેટલાક ફોટાઓની રિવર્સ ઇમેજ સર્ચ કરી. પરિણામે, અમને 11 માર્ચ 2025ના રોજ TikTok હેન્ડલ ‘@sunzidahossain0’ પર અપલોડ કરાયેલ વાયરલ વીડિયો મળ્યો. આનાથી સ્પષ્ટ થાય છે કે વાયરલ વીડિયો તાજેતરનો નથી. જ્યારે અમદાવાદ વિમાન દુર્ઘટના 12 જૂનના રોજ બની હતી.
જ્યારે અમે TikTok એકાઉન્ટ તપાસ્યું, ત્યારે અમને વાયરલ ફૂટેજમાં દેખાતા લોકોના બીજા ઘણા વીડિયો મળ્યા. આ એકાઉન્ટમાં તે જ યુઝરની ફેસબુક પ્રોફાઇલની લિંક પણ છે.
જ્યારે અમે લિંક કરેલ ફેસબુક એકાઉન્ટ જોયું, ત્યારે અમને જાણવા મળ્યું કે વાયરલ વીડિયોનું લાંબું સંસ્કરણ 18 માર્ચ 2025ના રોજ ત્યાં પોસ્ટ કરવામાં આવ્યું હતું.
https://www.facebook.com/reel/1296000638148135
ત્યારબાદ અમે બાયોમાં આપેલા ફોન નંબરનો ઉપયોગ કરીને ફેસબુક યુઝરનો સંપર્ક કર્યો. અમે શહાદત હુસૈન સાથે વાત કરી. શહાદતે અમને કહ્યું કે વાયરલ વીડિયોમાં દેખાતી વ્યક્તિ તે છે અને છોકરી તેની પુત્રી મહનૂર હુસૈન ફાતિહા છે. શહાદતે કહ્યું કે તે સંપૂર્ણપણે સ્વસ્થ છે અને અમદાવાદ વિમાન દુર્ઘટના સાથે તેનો કોઈ સંબંધ નથી. તે હાલમાં ઓમાનમાં છે, જ્યાં તે પોતાનો વ્યવસાય ચલાવે છે. તે મૂળ બાંગ્લાદેશનો છે અને તેની પત્ની અને પુત્રી પણ ત્યાં છે. સ્પષ્ટતા માટે તેણે અમારી સાથે એક વીડિયો પણ શેર કર્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વીડિયો 11 માર્ચ, 2025 ના રોજ રેકોર્ડ કરવામાં આવ્યો હતો. વાયરલ વીડિયોમાં દેખાતો વ્યક્તિ બાંગ્લાદેશી નાગરિક શહાદત હુસૈન છે, જે હાલમાં ઓમાનમાં રહે છે. શહાદત હુસૈને પુષ્ટિ આપી છે કે વીડિયોમાં દેખાતા લોકો પોતે અને તેમની પુત્રી મહનૂર હુસૈન ફાતિહા છે અને તે સુરક્ષિત છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:પિતા-પુત્રીના આ ભાવનાત્મક વીડિયોનો અમદાવાદ વિમાન દુર્ઘટના સાથે કોઈ સંબંધ નથી, આ વીડિયો જૂનો છે..
Written By: Frany KariaResult: False
