
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ગાડી પર ધોકા વડે હુમલો કરી રહેલા કેટલાક લોકોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતમાં તાજેતરમાં જ ગ્રામ પંચાયતના સરપંચોની ચૂંટણી થઈ છે અને ગુંડોતત્વો આ રીતે સરપંચની ગાડી પર હુમલો કરી રહ્યા છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ગાડી પર ધોકા વડે હુમલો કરી રહેલા કેટલાક લોકોનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ગુજરાતનો નહીં પરંતુ રાજસ્થાનના સૂરજગઢના કાકોડા ગામના સરપંચની ગાડી પર થયેલા હુમલાનો છે. આ વીડિયોને ગુજરાત સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક સોશિયલ મીડિયા યુઝર દ્વારા 18 જુલાઈ, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ગુજરાતમાં હમણાં જ ગ્રામ પંચાયત ની ચૂંટણી યોજાઇ અને મોટા ભાગના ગામોમાં નવા યુવાનો સરપંચ બન્યા છે..
હવે આ નવા સરપંચો પર હુમલા થઇ રહ્યા છે..
ગુજરાતની ભાજપ સરકારમાં લુખ્ખાગીરી-ગુંડાગીરી વધી ગઇ છે.. ભાજપના લોકો જ આ લુખ્ખા ઓને મોટા કરી રહી છે..
ગુજરાતમાં આ બિહાર જેવા ગુંડાઓનું રાજ તમે લાવ્યા છો એ સમજી જાજો.. ભાજપને મત આપીને તમે તમને અને તમારા જ લોકોને મરાવી નાંખશો..
આ લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતમાં તાજેતરમાં જ ગ્રામ પંચાયતના સરપંચોની ચૂંટણી થઈ છે અને ગુંડોતત્વો આ રીતે સરપંચની ગાડી પર હુમલો કરી રહ્યા છે તેનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર કડક નામની એક સત્તાવાર સમાચાર ચેનલ દ્વારા 16 જુલાઈ, 2025ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, રાજસ્થાનના ઝુંઝુનુમાંથી એક સીસીટીવી ફૂટેજ વાયરલ થયો છે. આમાં, સૂરજગઢ શહેરમાં મંગળવારે સાંજે, અજાણ્યા બદમાશોએ કાકોડા ગામના સરપંચ સંદીપ ડેલાની કારને ઘેરી લીધી અને રસ્તાની વચ્ચે તેમના પર હુમલો કર્યો. આ હુમલામાં વાહન ચાલક પર હુમલો કરવામાં આવ્યો હતો, જ્યારે ગાડીમાં બેઠેલા સરપંચ સંદીપ ડેલા અને તેમના સાથી દેવીસિંહ ઓલા માંડ-માંડ બચ્યા હતા. આ ઘટના સૂરજગઢના બારસિયા કોલેજ પાસે બની હતી, જેનાથી વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બદમાશો ત્રણ કેમ્પર વાહનોમાં આવ્યા હતા. તેઓએ પહેલા સરપંચની શિફ્ટ ગાડીને આગળ અને પાછળથી બે કેમ્પરથી ઘેરી લીધી અને પછી ત્રીજા કેમ્પરમાંથી નીચે ઉતરેલા એક ડઝન જેટલા બદમાશોએ લાકડીઓ અને સળિયા વડે વાહન પર હુમલો કર્યો. હુમલાખોરોએ કારના કાચ તોડી નાખ્યા હતા અને ડ્રાઈવરને માર માર્યો હતો. સદનસીબે સરપંચ અને તેમના સાથી વાહનની અંદર જ રહ્યા હતા, જેના કારણે તેઓ કોઈ ગંભીર ઈજા થવાથી બચી ગયા હતા.
ઉપરોક્ત આ જ માહિતી અને વીડિયો સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. NDTV India | Haryana 24 Update
અમારી વધુ તપાસમાં અમને આ જ ઘટનાના વીડિયો સાથેના સમાચાર દૈનિક ભાસ્કર દ્વારા પણ 16 જુલાઈ, 2025ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ગાડી પર ધોકા વડે હુમલો કરી રહેલા કેટલાક લોકોનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ગુજરાતનો નહીં પરંતુ રાજસ્થાનના સૂરજગઢના કાકોડા ગામના સરપંચની ગાડી પર થયેલા હુમલાનો છે. આ વીડિયોને ગુજરાત સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાણો ગુજરાતમાં સરપંચની ગાડી પર થયેલા હુમલાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: Misleading
