
તાજેતરમાં સોશિયલ મીડિયા પર બામસેફના રાષ્ટ્રીય અધ્યક્ષ વામન મેશ્રામનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, નરેન્દ્ર મોદીના મતવિસ્તાર વરાણસી ખાતે કુલ મતદાતાઓ 11 લાખ છે પરંતુ EVM મશીનમાંથી 12 લાખ 87 હજાર વોટ નીકળ્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બામસેફના રાષ્ટ્રીય અધ્યક્ષ વામન મેશ્રામનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ જૂનો છે. ચૂંટમી પંચ દ્વારા જ આ દાવાનું ખંડન કરવામાં આવ્યું છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 14 જૂન, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ચોરો કા સરદાર. .. ભાજપ ની બૈઈમાની.અને ચોરો કા સરદાર ..નિષ,પક્ષ ઈમાનદારી ની વાત કરે છે ને વારાણસી બેઠક પર મોદી સાહેબ..11 લાખ વોટ છે.તો 12-લાખ 87હજાર કેવી રીતે નિકળ્યા.જોઈલો બૈઈમાની. વિડિયો પુર્ણ જોશો. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, નરેન્દ્ર મોદીના મતવિસ્તાર વરાણસી ખાતે કુલ મતદાતાઓ 11 લાખ છે પરંતુ EVM મશીનમાંથી 12 લાખ 87 હજાર વોટ નીકળ્યા.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ અમને એ જાણવા મળ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2019 અને વર્ષ 2024 માં વારાણસી બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. ત્યાર બાદ અમને 2024ની લોકસભા ચૂંટણીમાં વારાણસી બેઠકના મતદાનના આંકડા તપાસતા માલૂમ પડ્યું કે, ચૂંટણી પંચની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર આ વખતની ચૂંટણીમાં વારાણસી બેઠકમાં મત આપવા લાયક મતદારોની કુલ સંખ્યા 19,97,578 હતી અને 56.49 ટકા મતદાન થયું હતું. જેમાં વોટર ટર્નઆઉટની વાત કરીએ તો, 11,28,527 મત પડ્યા હતા. તેમાંથી EVMમાં 11,27,081 વોટ ગણતરીમાં લેવાયા હતા. તદુપરાંત 3062 વોટ પોસ્ટલ બૅલેટથી પડ્યા હતા. આમ કુલ ગણતરીમાં લેવાયેલા મતોની સંખ્યા 11,30,143 છે.
ઉપરોક્ત માહિતી પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, વારાણસીમાં 1 લાખ 87 હજાર વોટ વધુ હોવાની માહિતી તદ્દન ખોટી છે.
અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો રવિશ કુમારના એક પેરોડી ટ્વિટર એકાઉન્ટ પર જોવા મળ્યો હતો.
હવે આજ વીડિયોમાં કરવામાં આવેલા બંને દાવા ખોટા હોવાનું જણાવતી ટ્વિટ ચૂંટણી પંચ દ્વારા તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવી હતી.
ચૂંટણી પંચે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીના મતદાનના આંકડાઓ પણ તેમાં રજૂ કર્યાં અને લખ્યું કે, 2019માં વારાણસીમાં સંસદીય મતક્ષેત્રમાં કુલ 18,56,791 મતદારો હતા. અને તેમાં કુલ 10,58,744 મતો પડ્યા અને ઈવીએમમાંથી ગણતરી થઈ. જ્યારે 2085 વોટ પોસ્ટલ બૅલેટથી પડ્યા હતા.
વીડિયોમાં એ પણ દાવો કરાયો હતો કે, કુલ 543 માંથી 373 બેઠકો એવી છે જેમાં મત પડ્યા તેનાથી વધુ મતો ઈવીએમ મશીનોમાંથી નીકળ્યા છે એટલે ઈવીએમ કૌભાંડ થયું છે.
જોકે, ચૂંટણી પંચે જ એપ્રિલ-2014માં ખુલાસો કર્યો હતો કે આ દાવો પણ પાયાવિહોણો છે અને ખોટો છે. કેમ કે વીડિયોમાં વ્યક્તિ કહી રહી છે કે તેને આ આંકડાઓ ચૂંટણી પંચ દ્વારા મળેલા લેટરમાંથી મળ્યા છે, જોકે ચૂંટણી પંચે તેમાં સ્પષ્ટ કહ્યું કે આવો કોઈ પત્રવ્યવહાર તેના દ્વારા કરવામાં આવ્યો નથી. એટલે આંકડાઓ બંધબેસે છે એ દાવો પણ ખોટો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બામસેફના રાષ્ટ્રીય અધ્યક્ષ વામન મેશ્રામનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ જૂનો છે. ચૂંટમી પંચ દ્વારા જ આ દાવાનું ખંડન કરવામાં આવ્યું છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Title:જાણો વારાણસી ખાતે EVM માં ખોટી મત ગણતરી થઈ હોવાના વામન મેશ્રામના વાયરલ વીડિયોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
