આ વીડિયો પહેલગામ આતંકવાદી હુમલા સાથે સંબંધિત નથી, તે વૈષ્ણોદેવી રોપવેના વિરોધ દરમિયાન બે મજૂર સંગઠન નેતાઓની ધરપકડનો જૂનો વીડિયો છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેને પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા સાથે જોડવામાં આવી રહ્યો છે. પોલીસ એક માણસને બળજબરીથી લઈ જવા માટે બળપ્રયોગ કરી રહી હોય તેવું જોઈ શકાય છે. આ વીડિયો એક બજારનો છે જ્યાં રસ્તાની બંને બાજુ દુકાનો છે. આ દરમિયાન, પોલીસ મહિલા તે માણસને ખેંચીને લઈ જાય છે અને તેને પોલીસ વાનમાં બેસાડે છે. ભલે તે માણસ સ્વબચાવમાં પોલીસનો પ્રતિકાર કરે છે, પણ પોલીસકર્મીઓ તેને કારમાં બેસાડી દે છે. આ વીડિયો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પહલગામમાં થયેલી આતંકવાદી ઘટના બાદ, સેનાએ કાર્યવાહી કરી આતંકવાદીને મદદ કરનારની આતંકવાદી ધરપકડ કરવામાં આવી.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 24 એપ્રિલ 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પહલગામમાં થયેલી આતંકવાદી ઘટના બાદ, સેનાએ કાર્યવાહી કરી આતંકવાદીને મદદ કરનારની આતંકવાદી ધરપકડ કરવામાં આવી.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
વાયરલ વિડીયોની તપાસ કરતી વખતે, અમને શરૂઆતમાં ખ્યાલ આવ્યો કે તેમાં જમ્મુ લિંક્સ ન્યૂઝનો વોટરમાર્ક હતો. આ શોધના આધારે, અમે જમ્મુ લિંક્સ ન્યૂઝની યુટ્યુબ ચેનલ પર પહોંચ્યા, જ્યાં આ જ વાયરલ વીડિયો 27 નવેમ્બર 2024ના રોજ શેર કરવામાં આવ્યો હતો. વીડિયો સાથે શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, આ વીડિયો તે સમયનો છે જ્યારે જમ્મુ ક્ષેત્રના કટરામાંથી બે મજૂર સંઘના નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. સ્થાનિક વેપારીઓ કટરાથી વૈષ્ણોદેવી મંદિર સુધીના પ્રસ્તાવિત રોપવે લાઇનનો વિરોધ કરી રહ્યા હતા ત્યારે વેપારીઓ અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ થઈ.
પછી અમને આ કેસ સંબંધિત મીડિયા રિપોર્ટ મળ્યા. 27 નવેમ્બર 2024ના રોજ ધ હિન્દુમાં પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ, આમાં તારકોટ માર્ગ અને સાંઝી છત વચ્ચે કટરા સ્થિત શ્રી માતા વૈષ્ણો દેવી ભવન સુધીના પ્રસ્તાવિત રોપવે પ્રોજેક્ટ હેઠળ લગભગ 250 કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવનાર રોપવેનો સમાવેશ થાય છે. સ્થાનિક વેપારીઓએ આ રોપવે પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો, જે ખૂબ હિંસક બન્યો હતો. આ પછી, પોલીસે હિંસાના સંદર્ભમાં બે FIR નોંધી અને ઓછામાં ઓછા ચાર લોકોની અટકાયત કરી. આ જ અહેવાલમાં સ્થાનિકોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે અટકાયતમાં લેવામાં આવેલા લોકોમાં મજદૂર યુનિયન કટરાના નેતાઓ ભૂપિન્દર સિંહ જામવાલ અને સોહન ચંદનો સમાવેશ થાય છે. ભૂપિન્દર સિંહે તાજેતરમાં વૈષ્ણોદેવી બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડી હતી અને તેઓ પોની અને પાલખી સર્વિસ ઓપરેટર્સ એસોસિએશનના નેતા પણ છે.
27 નવેમ્બર 2024ના રોજ જાગરણમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, પોલીસે 27 નવેમ્બર 2024ના રોજ કટરાના બાણગંગા રોડ પરથી મજૂર સંઘના નેતાઓ ભૂપેન્દ્ર સિંહ જામવાલ અને સોહન ચંદની અટકાયત કરી હતી. આ બે લોકો, અન્ય કામદારો સાથે, રોપવે પ્રોજેક્ટનો વિરોધ કરવા જઈ રહ્યા હતા.
તેમજ વધુ સર્ચ કરતા અમને અમને કાશ્મીરના સ્થાનિક મીડિયા આઉટલેટ દ્વારા શેર કરાયેલા આ ઘટનાના અહેવાલો મળ્યા. ગ્રેટર કાશ્મીર નામના મીડિયા આઉટલેટમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો. કેટલાક દુકાનદારોએ પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો. આ પછી, પોલીસે આખા શહેરમાં દરોડા પાડ્યા અને ભૂપિન્દર સિંહ અને સોહન ચંદની ધરપકડ કરી. તે જ સમયે, અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે આ નેતાઓએ કટરામાં પ્રસ્તાવિત રોપવે સામે ચાર દિવસ સુધી વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું, જેના કારણે પથ્થરમારો અને કાયદો અને વ્યવસ્થાની સમસ્યાઓ ઊભી થઈ હતી.
આ સમાચાર અહીં અને અહીં પણ જોઈ શકાય છે, જે સ્પષ્ટ કરે છે કે જમ્મુમાં રોપવે વિરૂદ્ધ વિરોધ પ્રદર્શનના સંદર્ભમાં પોલીસ કાર્યવાહીનો એક જૂનો વીડિયો તાજેતરના પહેલગામ આતંકવાદી હુમલા પછી આર્મી કાર્યવાહીના નામે શેર કરવામાં આવી રહ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વૈષ્ણો દેવી રોપવે પ્રોજેક્ટના વિરોધ દરમિયાન સ્થાનિક નેતાઓની ધરપકડનો એક વીડિયો તાજેતરના સંદર્ભમાં પ્રસારિત થઈ રહ્યો છે. પહલગામ આતંકવાદી હુમલા પછી કાશ્મીરી નેતાઓ સામે સૈન્ય કાર્યવાહીના ભ્રામક દાવા સાથે વાયરલ વીડિયોનો કોઈ સંબંધ નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:જમ્મુમાં વૈષ્ણોદેવી રોપવેનો વિરોધ કરી રહેલા યુનિયન નેતાની અટકાયતનો જૂનો વીડિયો વાયરલ… જાણો શું છે સત્ય….
Written By: Frany KariaResult: False
