લોકોને ભ્રામક કરવા તેમજ ગેરમાર્ગે દોરવા માટે આ મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યો છે, આ પ્રકારે કોઈ મૃત વ્યક્તિને જીવત કરવાની કોઈ શક્યતા જ નથી.

હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, “કોઈ વ્યક્તિ પાણીમાં ડૂબીને મૃત્યુ પામે છે અને તેનો મૃતદેહ 3 થી 4 કલાકમાં મળી આવે છે, તો હું તેને જીવિત કરી શકું છું, જો કોઈ વ્યક્તિ આવી દુર્ઘટના જોશે અથવા સાંભળશે તો અમને તાત્કાલિક જાણ કરો. કોઈનો જીવ બચી શકે છે. અમારો મોબાઈલ નંબર પ્રશાંત ત્રિપાઠી +919454311111 અને +919335673001 આ માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા આપ સૌને નમ્ર વિનંતી છે.” આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પ્રશાંત તિવારી નામનો વ્યક્તિ પાણીમાં ડૂબીને મૃત્યુ પામેલા વ્યક્તિને જીવત કરી શકે છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 13 જૂલાઈ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પ્રશાંત તિવારી નામનો વ્યક્તિ પાણીમાં ડૂબીને મૃત્યુ પામેલા વ્યક્તિને જીવત કરી શકે છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા બંને નંબર પર સંપર્ક સાધવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ અમે બંને નંબર માંથી કોઈનો પણ સંપર્ક કરી શક્યા ન હતા.
ત્યાર બાદ અમે ટ્રુકોલરમાં બંને નંબરની શોધ કરી હતી. દરમિયાન +919454311111 નંબરને સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, આ નંબર ધેનુ શુક્લાનો છે. જે તમે નીચે જોઈ શકો છો.
જે અંગે અમે વધુ સર્ચ કરતા અમને જાણવા મળ્યુ કે, ઘેનુ શુક્લા યુપીના મિર્જાપુરના એક રાજ્કીય આગેવાન છે. જેની ફેસબુક પ્રોફાઈલ તમે નીચે જોઈ શકો છો.
બાદમાં અમે તેમનો સંપર્ક સાધ્યો હતો, અને વાયરલ મેસેજ અંગે ઘેનુ શુક્લા દ્વારા અમને જણાવવામાં આવ્યુ હતુ કે, “લોકોને ગેરમાર્ગે દોરવા તેમજ માનસિક હેરાન-પરેશાન કરવા આવારાતત્વો દ્વારા આ પ્રકારે મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે આ પ્રકારે કોઈપણ મૃત વ્યક્તિને જીવીત કરવાની વાત તદ્દન ખોટી છે. લોકોને નમ્ર વિનંતી છે કે આ મેસેજને આગળ ન મોકલો, તેમજ આ મેસેજ વાયરલ થતા હું પણ પરેશાન થઈ ગયો છુ અને આ નંબર પરના તમામ કોલ મે બ્લોક કરેલા છે. વીઆઈપી નંબર લીધા બાદ પણ તેનો ઉપયોગ કરી શકાતો નથી.”
ત્યારબાદ અમે જામનગરની એમ પી શાહ મેડિકલ કોલેજના પ્રોફેસર અને ગોલ્ડ મેડાલિસ્ટ એમડી ડોક્ટર કૃણાલ સોલંકીનો સંપર્ક સાધ્યો હતો તેમણે પણ અમને જણાવ્યુ હતુ કે, કોઈ પણ મૃત વ્યક્તિને ફરી જીવીત કરવાની કોઈ દવા કે કોઈ ઉપચ્ચાર મેડિકલ સાઈન્સમાં શોધવામાં આવ્યો નથી. એકવાર કોઈ વ્યક્તિના પ્રાણ ચાલ્યા જાય તો તેને જીવીત કરવાની કોઈ દવા હજુ સુધી શોધી શકાય નથી. આ મેસેજ તદ્દન ખોટો અને ભ્રામક છે.
તેમજ વધુ સર્ચ કરતા અમને ભાસ્કર દ્વારા આજ થી 6 વર્ષ પહેલા આ મેસેજને લઈ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ મેસેજ ખોટો છે. તે સમયે તેમણે આયુર્વેદ નિષ્ણાંતનું પણ નિવેદન પ્રસારિત કર્યુ હતુ.
તેમણે અહેવાલમાં જણાવ્યુ હતુ કે, “આયુર્વેદ નિષ્ણાત ડો.કાશીનાથ સામગાંડી અનુસાર પર્યાવરણમાંથી ભેજ શોષી લેવો એ મીઠાની પ્રકૃતિ છે. પરંતુ એ વાત તદ્દન ખોટી છે કે ડૂબ્યા બાદ મીઠું તેના પેટમાં ભરાયેલા પાણીને સંપૂર્ણ રીતે શોષી લેશે. ડૂબી ગયા પછી, જો ડૉક્ટર તેના મૃત્યુની પુષ્ટિ કરે છે, તો તેને જીવતો પાછો લાવી શકાય નહીં. આમાં કોઈ સત્ય નથી. આ માત્ર લોકો મૂંઝવણમાં છે. આવી સ્થિતિમાં, તરત જ ડૉક્ટરની મદદ લો અને દર્દીને શક્ય તેટલી વહેલી તકે હોસ્પિટલ લઈ જાઓ.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો દાવો તદ્દન ખોટો છે. મેડિકલ સાઈન્સમાં કોઈ દવા કે ઉપચ્ચાર શોધી નથી શકાયો કે જે મૃત વ્યક્તિને ફરી સજીવન કરી શકે, લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:પાણીમાં ડૂબી ગયેલા વ્યક્તિને જીવત કરવાના નામે વાયરલ મેસેજનું જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
