
એક વ્યક્તિના હાથ બાંધેલા જોઈ શકાય છે અને આસપાસ ઘણી બધી મહિલાઓ પણ જોવા મળે છે અને આ મહિલાઓ માંની એક મહિલા આ વ્યક્તિ પર કાદવ નાંખી રહી છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગુજરાત ભાજપાના નેતા પર મહિલા દ્વારા કાદવ કીચડ નાખવામાં આવ્યુ.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 13 સપ્ટેમ્બર 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગુજરાત ભાજપાના નેતા પર મહિલા દ્વારા કાદવ કીચડ નાખવામાં આવ્યુ.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને ન્યુઝ 24નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “ઉત્તર પ્રદેશના મહારાજગંજમાં મુસ્લિમ ભાજપ નેતા ગુડ્ડુ ખાન પર મહિલાઓએ કાદવ અને પાણી ફેંક્યા હતા.”
તેમજ વધુ સર્ચ કરતા અમને એનડીટીવીનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાં ભાજપના નેતા સાથે જે બન્યું તે ત્યાંની એક લાંબા સમયથી ચાલતી પરંપરામાંથી ઉદ્ભવ્યું છે. મહારાજગંજમાં, વરસાદના અભાવના સમયગાળા દરમિયાન સ્થાનિક નેતા અથવા આદરણીય વ્યક્તિને કાદવ અને પાણીમાં સ્નાન કરાવવાનો રિવાજ છે, જે ભગવાન ઇન્દ્રને પ્રસન્ન કરશે અને વરસાદ લાવશે. આ પરંપરાને અનુસરીને, મહારાજગંજમાં નૌતનવાના ભૂતપૂર્વ અધ્યક્ષ અને ભાજપના નેતા ગુડ્ડુ ખાન, મહિલાઓ વચ્ચે હળવાશથી હસતા, બધી ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો.”

ભાજપાના નેતા ગુડ્ડુ ખાન દ્વારા શું કહેવામાં આવ્યુ…?
ABP ન્યુઝ દ્વારા પ્રસારિત અહેવાલમાં જણાવવામાં આવ્યુ હતુ કે, ભાજપાના નેતા ગુડ્ડુ ખાન દ્વારા આ અંગે નિવેદન આપતા જણાવવામાં આવ્યુ હતુ કે, “ગામમાં સદીઓથી આ પરંપરા ચાલી આવે છે. ભૂતકાળમાં, જ્યારે વરસાદ પડતો ન હતો, ત્યારે રાજાઓ અને સમ્રાટોને આ રીતે પાણી અને કાદવમાં સ્નાન કરાવવામાં આવતું હતું, જેનાથી ભગવાન ઇન્દ્ર પ્રસન્ન થતા હતા અને વરસાદ વરસતો હતો, જેનાથી ગરમીથી રાહત મળતી હતી. તેમણે એમ પણ કહ્યું કે જો આમ કરવાથી ભગવાન ઇન્દ્ર પ્રસન્ન થાય છે, તો તેઓ દર વર્ષે તે કરવા તૈયાર છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો યુપીના મહારાજગંજનો છે. ગુજરાતનો નથી, તેમજ આ વીડિયોમાં ભાજપા નેતાનો વિરોધ નથી પરંતુ એક ધાર્મિક રીતનો એક ભાગ છે. જે વર્ષોથી કરવામાં આવી રહ્યો હોવાનું જણાવવામાં આવ્યુ છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:ગુજરાતના ભાજપાના નેતાને કાદવ કીચડથી નવરાવવામાં આવ્યા નથી… જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
