જાણો વ્લાદિમીર પુતિનને અયોધ્યા મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ સાથે દર્શન કર્યા હોવાના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

Altered રાષ્ટ્રીય I National સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અયોધ્યા મંદિરમાં દર્શન કરી રહેલા વ્લાદિમીર પુતિનનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ સાથેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વ્લાદિમીર પુતિને અયોધ્યા મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ સાથે દર્શન કર્યા તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં અયોધ્યા મંદિરમાં દર્શન કરી રહેલા વ્લાદિમીર પુતિનનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ સાથેનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ એટલે કે AI દ્વારા બનાવવામાં આવેલો ફોટો છે. આ ફોટોને વાસ્તવિક ઘટના સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક સોશિયાલ મીડિયા યુઝર દ્વારા 8 ડિસેમ્બર, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, રશિયાના વડાપ્રધાન પુતિન અને ભારતના વડાપ્રધાન નરેદ્ર મોદી સાથે અયોધ્યા મંદિર માં ભગવાન રામ ના દર્શન કર્યા જોડે યોગી આદિત્યનાથ પણ હતા 🙏🕉️🚀💫. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વ્લાદિમીર પુતિને અયોધ્યા મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ સાથે દર્શન કર્યા તેનો આ ફોટો છે.

Instagram Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ પ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેની માહિતીને ગૂગલનો સહારો લઈ જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ક્યાંય પણ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેમની ભારત મુલાકાત દરમિયાન અયોધ્યા ખાતે રામ મંદિરની મુલાકાત લીધી હોવાની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. 

ત્યાર બાદ અમને વિદેશ મંત્રાલયની સત્તાવાર વેબસાઈટ પરની માહિતીમાં એ જાણવા મળ્યું હતું કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા માટે 4 અને 5 ડિસેમ્બરે ભારતની મુલાકાત લેશે. જેમાં વધુમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ બે દિવસની મુલાકાત દરમિયાન, પુતિન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરશે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ મુલાકાત દરમિયાન થયેલા કરારો વિશે વિગતવાર માહિતી આપી હતી.

પુતિન તેમની બે દિવસીય ભારતની મુલાકાત દરમિયાન નવી દિલ્હીમાં રહ્યા. દિલ્હીના પાલમ એરપોર્ટ પર વડાપ્રદાન નરેન્દ્ર મોદીએ તેમનું સ્વાગત કર્યું ત્યારબાદ બંને નેતાઓએ હૈદરાબાદ હાઉસ ખાતે 23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન અને દ્વિપક્ષીય સંવાદમાં હાજરી આપી હતી. ત્યારબાદ તેઓએ ભારત મંડપમ ખાતે ભારત-રશિયા વ્યાપાર મંચને સંબોધિત કર્યો હતો.

પુતિનની આ મુલાકાત અંગેની વિગતવાર માહિતી MEA દ્વારા આપવામાં આવી હતી જે ફર્સ્ટપોસ્ટ દ્વારા 5 ડિસેમ્બર, 2025ના રોજ પ્રસારિત સમાચારમાં તમે જોઈ શકો છો. 

અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા આ ફોટોને AI ઓળખ વેબસાઈટ Hive Moderation દ્વારા સર્ચ કરતાં તેમાં પણ આ ફોટો 99.9% AI દ્વારા બનાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

ત્યાર બાદ અમે આ ફોટો AI જનરેટેડ છે કે નહીં? એ માટે Google Geminiને પૂછતાં તેણે પણ આ ફોટો AI હોવાનું જણાવ્યું હતું.

ઉપરોક્ત સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, વાયરલ ફોટો AI ટેક્નોલોજીની મદદથી બનાવવામાં આવ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં અયોધ્યા મંદિરમાં દર્શન કરી રહેલા વ્લાદિમીર પુતિનનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ સાથેનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ એટલે કે AI દ્વારા બનાવવામાં આવેલો ફોટો છે. આ ફોટોને વાસ્તવિક ઘટના સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો વ્લાદિમીર પુતિનને અયોધ્યા મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ સાથે દર્શન કર્યા હોવાના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: Altered