
તાજેતરમાં સોશિયલ મીડિયા પર દરિયામાં ફાટેલા જ્વાળામુખીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, 15 જાન્યુઆરી, 202ના રોજ પેસેફિક મહાસાગરમાં ફાટેલા જ્વાળામુખીનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં દરિયામાં ફાટેલા જ્વાળામુખીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વાસ્તવિક નહીં પરંતુ AI ટેકનોલોજીની મદદથી બનાવવામાં આવેલો વીડિયો છે. આ વીડિયોને વાસ્તવિક પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક સોશિયલ મીડિયા યુઝર દ્વારા 28 જાન્યુઆરી, 2026ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, થોડી શક્તિ મેળવ્યા પછી, મૂર્ખ વ્યક્તિને ખાતરી થઈ જાય છે કે તેના કરતાં વધુ શક્તિશાળી કોઈ નથી. જોકે, કુદરતની સામે, “કોઈ” માણસ એક તણખા જેટલું પણ મૂલ્ય નથી.
૧૫ જાન્યુઆરી, ૨૦૨૨ ના રોજ, #હુંગા_ટોંગા_હુંગા_હાપાઈ જ્વાળામુખી ફાટી નીકળ્યો. તેની શક્તિ સેંકડો અણુ બોમ્બ જેટલી હતી. તેને ૨૧મી સદીનો સૌથી મોટો જ્વાળામુખી વિસ્ફોટ માનવામાં આવે છે. જ્વાળામુખીની રાખ અને ગેસનો પ્લમ લગભગ ૫૭ કિલોમીટરની ઊંચાઈએ પહોંચ્યો હતો, જે સીધો મેસોસ્ફિયરમાં પહોંચ્યો હતો. વિસ્ફોટથી ઉત્પન્ન થયેલ શોકવેવ એટલો શક્તિશાળી હતો કે તે પૃથ્વીના વાતાવરણને ઘણી વખત પરિક્રમા કરતો હતો અને વિશ્વભરના સેન્સર દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો હતો. આ વિસ્ફોટથી પેસિફિક મહાસાગરમાં સુનામી આવી હતી, જેની અસરો ફક્ત ટોંગામાં જ નહીં પરંતુ જાપાન, યુનાઇટેડ સ્ટેટ્સ અને પેરુમાં પણ અનુભવાઈ હતી.. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, 15 જાન્યુઆરી, 202ના રોજ પેસેફિક મહાસાગરમાં ફાટેલા જ્વાળામુખીનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આ જ વીડિયો 5 ઓગસ્ટ, 2025ના રોજ laughasores નામના યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
આ ચેનલ પરની વધુ માહિતી સર્ચ કરતાં અમને એક વિવરણ પ્રાપ્ત થયું હતું. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ ચેનલ પરના બધા વીડિયો ફક્ત મનોરંજનના હેતુ માટે AIનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા છે. દરેક વીડિયો ચોક્કસ ઘટનાનું કાલ્પનિક અનુકરણ છે. આ AI દ્વારા જનરેટ કરાયેલ વીડિયોને દર્શકો ઘણીવાર “AI” અથવા “Fake” તરીકે ઓળખાવે છે.

વધુ તપાસમાં અમને જાણવા મળ્યું કે, “વાયરલ વીડિયો જેવી જ કેટલીક AI-જનરેટેડ વીડિયો ક્લિપ્સ આ YouTube ચેનલ પર અપલોડ કરવામાં આવી હતી.”
ત્યાર બાદ અમે અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે hivemoderation.com નામની એક AI ડિટેક્ટર વેબસાઈટ પર વાયરલ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં તેમાં પણ આ વીડિયો 99.8% AI દ્વારા બનાવવામાં આવ્યો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ હતી.

notegpt.io નામની વધુ એક AI ડિટેક્ટર વેબસાઈટ પર વાયરલ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં તેમાં પણ આ વીડિયો 72.7% AI દ્વારા બનાવવામાં આવ્યો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ હતી.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં દરિયામાં ફાટેલા જ્વાળામુખીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વાસ્તવિક નહીં પરંતુ AI ટેકનોલોજીની મદદથી બનાવવામાં આવેલો વીડિયો છે. આ વીડિયોને વાસ્તવિક પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:જાણો જ્વાળામુખી ફાટવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False


