હિમાચલના શિવ મંદિર પર વીજળી પડવાના દાવા સાથે ગ્વાટેમાલાના ફ્યુગો જ્વાળામુખી પર વીજળી પડવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે…
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં એક ટેકરી પર વીજળી પડવાની ઘટના જોવા મળી રહી છે. આ વીડિયોને શેર કરી ને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ હિમાચલ પ્રદેશની એક ઘટના છે જ્યાં આ આકાશી વીજળી દર 12 વર્ષે ભગવાન શિવના મંદિરને પવિત્ર કરે છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 01 ઓગસ્ટ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ હિમાચલ પ્રદેશની એક ઘટના છે જ્યાં આ આકાશી વીજળી દર 12 વર્ષે ભગવાન શિવના મંદિરને પવિત્ર કરે છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
આ પોસ્ટની તપાસ કરવા માટે, અમે ગૂગલ પર વીડિયોની કીફ્રેમ પર રિવર્સ ઇમેજ સર્ચ કર્યું. જેના પરિણામે અમને આને લગતા પ્રકાશિત થયેલા કેટલાક મીડિયા અહેવાલો મળ્યા. જેમાં અમે કેનેડિયન બ્રોડકાસ્ટર CTV વ્યૂઝની વેરિફાઈડ યુટ્યુબ ચેનલ પર બે મહિના પહેલા અપલોડ કરેલો વાયરલ વીડિયો જોયો હતો. અપલોડ કરાયેલા વીડિયોમાં કેટલાક લોકો ઘટનાને રેકોર્ડ કરતા પણ જોવા મળી રહ્યા છે. જ્યારે વીડિયો સાથે આપવામાં આવેલી માહિતી અનુસાર, વાયરલ વીડિયો ગ્વાટેમાલાના સક્રિય જ્વાળામુખી ફ્યુગો પર વીજળી પડવાનો છે.
આ પછી, અમને સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યુશન ઓફ અમેરિકા દ્વારા પ્રકાશિત વિજ્ઞાન અને પ્રકૃતિ મેગેઝિન સ્મિથસોનિયન પર વાયરલ વીડિયો પર પ્રકાશિત અહેવાલ મળ્યો. 15 મે, 2024 ના રોજ અહેવાલમાં આ વીડિયો ગયા મહિને ગ્વાટેમાલામાં વોલ્ક ડી ફ્યુગો પર વીજળી પડવાથી સંબંધિત હોવાનું કહેવાય છે જેણે દર્શકોને આશ્ચર્યચકિત કર્યા હતા.
આ જ ઘટનાનો બીજો વીડિયો ગ્લોબલ ન્યૂઝ દ્વારા શેર કરવામાં આવ્યો હતો જે 13 મે 2024ના રિપોર્ટમાં છે. મળતી માહિતી મુજબ, ગ્વાટેમાલામાં દર્શકોને અદભૂત નજારો જોવા મળ્યો જ્યારે વોલ્ક ડી ફ્યુએગો જ્વાળામુખી પર વીજળી પડી અને તે વિસ્ફોટ થઈ રહ્યો હતો. રિપોર્ટમાં આ ઘટનાને 28 એપ્રિલ 2024ની જણાવવામાં આવી છે.
આ વાયરલ વીડિયો તમે ABC ન્યૂઝની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પણ જોઈ શકો છો.
અમારી શોધમાં, અમે 6 મે, 2024 ના રોજ અમેરિકન અભિનેતા વિલ સ્મિથે તેના X એકાઉન્ટ પર શેર કરીને માહિતી આપવામાં આવી હતી કે, “વોલ્ક ડી ફ્યૂગો અદભૂત દૃશ્ય બતાવી રહ્યું છે, ગ્વાટેમાલા અદ્ભુત છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગ્વાટેમાલાના વોલ્ક ડી ફ્યૂગો જ્વાળામુખીમાં વીજળી પડવાની ઘટનાનો છે. આ વીડિયો હિમાચલના શિવ મંદિરનો હોવાની વાત તદ્દન ખોટી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:હિમાચલના શિવ મંદિર પર વીજળી પડવાના દાવા સાથે ગ્વાટેમાલાના ફ્યુગો જ્વાળામુખી પર વીજળી પડવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે…
Fact Check By: Frany KariaResult: False