તાજેતરમાં સોશિયલ મીડિયા પર પ્રખ્યાત હવામાન આગાહીકાર અંબાલાલ પટેલનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં હવામાન આગાહીકાર અંબાલાલ પટેલને ગાંધીનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પ્રખ્યાત હવામાન આગાહીકાર અંબાલાલ પટેલનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ જૂનો હોવાનું ખુદ અંબાલાલ પટેલે જણાવ્યું હતું તેમજ તેઓ સ્વસ્થ અને તંદુરસ્ત હોવાનું પણ જણાવ્યું હતું. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 05 સપ્ટેમ્બર, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, અંબાલાલ કાકા ને ગાંધીનગર હોસ્પિટલમાં એડમિટ કર્યા તેવા સમાચાર મળે છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં હવામાન આગાહીકાર અંબાલાલ પટેલને ગાંધીનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તેનો આ ફોટો છે.

Facebook Post | Archive


FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેના સમાચાર ગુજરાત ફર્સ્ટ ચેનલ દ્વારા તેના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ પર 05 સપ્ટેમ્બર, 2024 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, અંબાલાલ પટેલને ગાંધીનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાની અફવાઓએ સોશિયલ મીડિયા પર જોર પકડ્યું. વાસ્તવમાં તેઓ એકદમ સ્વસ્થ અને સુરક્ષિત છે.

Archive

અમારી વધુ તપાસમાં અમને સોશિયલ મીડિયામાં અંબાલાલ પટેલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાની માહિતી ખોટી હોવાની જાણ કરતો વધુ એક અહેવાલ અકિલા ન્યૂઝ દ્વારા પણ 05 સપ્ટેમ્બર, 2024 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હતો.

Archive

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે સીધો જ સંપર્ક હવામાન આગાહીકાર અંબાલાલ પટેલનો કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “સોશિયલ મીડિયામાં જે માહિતી ફરી રહી છે એ તદ્દન ખોટી છે. હું સંપૂર્ણ સ્વસ્થ અને સુરક્ષિત છું. મારો જૂનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે. લોકોએ અફવાઓ પર ધ્યાન ન આપવું જોઈએ.”

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પ્રખ્યાત હવામાન આગાહીકાર અંબાલાલ પટેલનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ જૂનો હોવાનું ખુદ અંબાલાલ પટેલે જણાવ્યું હતું તેમજ તેઓ સ્વસ્થ અને તંદુરસ્ત હોવાનું પણ જણાવ્યું હતું. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)


Claim Review :   તાજેતરમાં હવામાન આગાહીકાર અંબાલાલ પટેલને ગાંધીનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તેનો આ ફોટો છે.
Claimed By :  Social Media User
Fact Check :  -