
Salim Sandhi નામના ફેસબુક યુઝર દ્વારા 6 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, . યા ગરીબ નવાઝ મઝહબ નહીં શીખાતા,આપસમે બૈર રખના. હિન્દુ- મુસ્લિમ એકતાના પ્રતિક સમા, રાજસ્થાનમાં આવેલ અજમેર શરીફની દરગાહ ખુલતાં જ રાજસ્થાન પોલીસના ઉચ્ચ અધિકારીઓ એ હઝરત ખ્વાજા ગરીબ નવાઝની બારગાહમાં સલામ પેશ કરી,હાજરી આપી. અને કોરોના વાયરસ જેવી જીવલેણ બિમારીથી બધા દેશવાસીઓ મહેફુજ રહે એવી દુઆ માંગી. ગરીબ નવાઝ દુઆ કબુલ કરે.આમીન જયહીદ, જય ભારત.. સલીમ બાંભણીયા. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો રાજસ્થાનના અજમેર ખાતે આવેલી ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ ખુલી ત્યારે રાજસ્થાન પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેની મુલાકાત લેવામાં આવી તેનો આ વીડિયો છે. આ પોસ્ટને 186 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 20 લોકોએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 52 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો રાજસ્થાનના અજમેર ખાતે આવેલી ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ ખુલી ત્યારે રાજસ્થાન પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેની મુલાકાત લેવામાં આવી તેનો આ વીડિયો છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોતાં અમને Hotel Kamal Palace નું એક બોર્ડ જોવા મળ્યું હતું. જેને અમે ગુગલ પર સર્ચ કરતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, “આ હોટલ રાજસ્થાનના અજમેરમાં દરગાહ રોડ પર આવેલી છે. ત્યાર બાદ અમે હોટલનો સંપર્ક કરી પોસ્ટમાં મૂકવામાં આવેલા આ વીડિયો અને દાવા અંગે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, અજમેર પોલીસ દ્વારા કોરોના મહામારી અંગે જાગરૂકતા રેલી તેમજ અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે એક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ વીડિયો એ રેલીનો છે.”

ત્યાર બાદ અમે અજમેર પોલીસનો સંપર્ક કરતાં ફરજ પરના અધિકારી દ્વારા અમને જણાવવામાં આવ્યું હતું કે, “અજમેર પોલીસ દ્વારા કોરોના મહામારી અંગે જન જાગૃતિ માટે રેલી તેમજ અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વીડિયો એજ રેલીનો છે. પોલીસ અધિકારીઓ દ્વારા અજમેર ખાતે આવેલી દરગાહ ખુલતાં તેની મુલાકાત માટે પોલીસ અધિકારીઓ પહોંચ્યા એ માહિતી ખોટી છે.”
અમારી વધુ તપાસમાં અમને અજમેર પોલીસ તેમજ રાજસ્થાન પોલીસ દ્વારા કોરોના મહામારી અંગે જન જાગરૂકતા રેલી નીકાળવામાં આવી હોવા અંગેની ટ્વિટ પણ કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ આજ માહિતી સાથે સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Marudhara Times TV | MTTV INDIA
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અજમેર પોલીસ દ્વારા કોરોના મહામારી અંગે જન જાગરૂકતા માટે નીકાળવામાં આવેલી રેલીનો છે. જેને અજમેર દરગાહ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અજમેર પોલીસ દ્વારા કોરોના મહામારી અંગે જન જાગરૂકતા માટે નીકાળવામાં આવેલી રેલીનો છે. જેને અજમેર દરગાહ સાથે કોઈ જ સંબંધ નથી.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર અજમેરમાં દરગાહ ખુલતાંની સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ત્યાં પહોંચ્યા તેનો આ વીડિયો છે…?
Fact Check By: Vikas VyasResult: False
