
Ravi Nakrani નામના ફેસબુક યુઝર દ્વારા 14 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આ તો હાળુ દારુડીયુ નીકળું બે દિવસ થી એકધારા ચોટાંતા લેડી સિધંમ લેડી સિધંમ # I support sunita Yadav # આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, તાજેતરમાં ચર્ચામાં આવેલી LRD કોન્સ્ટેબલ સુનિતા યાદવ દારૂનું સેવન કરી રહી છે. આ પોસ્ટને 327 લોકોએ લાઈક કરી હતી. 48 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 1300 થી વધુ લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર તાજેતરમાં ચર્ચામાં આવેલી LRD કોન્સ્ટેબલ સુનિતા યાદવ દારૂનું સેવન કરી રહી છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ સર્ચ કરતાં અમને સુનિતા યાદવનું ફેસબુક એકાઉન્ટ પ્રાપ્ત થયું હતું. જેમાં 13 જુલાઈ, 2020 ના રોજ તેમના દ્વારા તેમની સાથે બનેલી ઘટના અને તેમના આગળના પ્લાનિંગ અંગે તેમજ તેમની બિમારી અંગે વાતચીત કરવામાં આવી હતી. જેમાં તે પોતે 25.31 મિનિટે એવું બોલી રહ્યા છે કે, આ ગ્લુકોઝનું પાણી છે. કેટલાક લોકો એવી કોમેન્ટ કરી રહ્યા છે કે, આ શું છે? તો આ ફક્ત ગ્લુકોઝનું પાણી છે. કોઈ નશીલો પદાર્થ નથી જો નશીલો પદાર્થ હોત તો હું તમારી બધાની સામે શું કરવા પીવું? હમણાં મને ચક્કર આવી રહ્યા છે. જે સંપૂર્ણ વીડિયો તમે નીચે જોઈ શકો છો.
આ ઉપરાંત અમારી વધુ તપાસમાં અમને અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ આ દાવાનું ખંડન કરવામાં આવ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. satyakam.co.in | gujratkhabar.in
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં LRD કોન્સ્ટેબલ સુનિતા યાદવ દારૂનું સેવન નથી કરી રહ્યા પરંતુ તેમની તબિયત ખરાબ હોવાને કારણે ગ્લુકોઝનું પાણી પી રહ્યા છે. જે માહિતી તેઓએ પોતે જણાવી હતી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં LRD કોન્સ્ટેબલ સુનિતા યાદવ દારૂનું સેવન નથી કરી રહ્યા પરંતુ તેમની તબિયત ખરાબ હોવાને કારણે ગ્લુકોઝનું પાણી પી રહ્યા છે. જે માહિતી તેઓએ પોતે જણાવી હતી.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર LRD કોન્સ્ટેબલ સુનિતા યાદવ દારૂનુ સેવન કરી રહ્યા છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
