
Raj Mahajan નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સાંસદ સભ્યના માસિક ભથ્થું તારીખ 7 એપ્રિલ 2020 ના રોજથી અંકે રૂપિયા 49 હજાર પૂરા વધારી દેવામાં આવેલ છે….!! અને 6 એપ્રિલ 2020 ના રોજ આવા સમાચાર હતા..! સાંસદના 1 વર્ષ સુધી પગારમાં 30 ટકા ના ઘટાડા માટે સરકાર અધ્યાદેશ લાવશે : કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 109 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 25 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 81 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવ્યો હતો. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સાંસદોના ભથ્થામાં 30 ટકાનો ઘટાડો કર્યા બાદ 49 હજારનો વધારો કરવામાં આવ્યો છે.”

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 7 એપ્રિલ 2020ના પ્રસારિત આ અસાઘારણ ગેજટ નોટિફિકેશનમાં સાંસદોના મતદાર ભથ્થા અને ઓફિસ ભથ્થામાં ઘટાડો કરવામાં આવ્યો છે. સંસદના બંને ગૃહોની સંયુક્ત સમિતિ વતી લોકસભા સચિવાલય દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ નોટિફિકેશનમાં લખવામાં આવ્યુ હતુ કે, “સંસદ અધિનિયમ, 1954 (1954 ના નંબર 30) ના સભ્યોના પગાર, ભથ્થાં અને પેન્શનની કલમ 8 હેઠળ, સંસદના દરેક સભ્ય 1 એપ્રિલ, 2020 થી 31 માર્ચ, 2021 સુધી દર મહિને ચાલીસ હજાર રૂપિયાના દરે મતદારક્ષેત્ર ભથ્થું મેળવવા માટે પાત્ર બનશે.”

એટલે કે, નાણાકીય વર્ષ 2020-21માં, સાંસદોને મત વિસ્તારના ભથ્થા પેટે માસિક રૂ.49 હજાર મળશે.
તેમજ ઓફિસ ખર્ચ માટેનું ભથ્થું 54 હજાર રૂપિયા મળશે. તેમાંથી 14 હજાર રૂપિયા સ્ટેશનરી અને ટપાલ માટેના હશે અને 40 હજાર રૂપિયા સાંસદ દ્વારા તેમના સચિવ (અથવા સહાયકો) ને માનદ આપી શકે છે.

ખરેખર, આ સૂચનાઓ બતાવીને વાયરલ કરવામાં આવતા દાવાથી મૂંઝવણ એટલા માટે થઈ હતી કારણ કે, આ સૂચનામાં જૂના ભથ્થાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ ભથ્થું સાંસદોને પહેલેથી જ આપવામાં આવતુ હતુ. એવું નથી કે કોરોના દરમિયાન નવું ભથ્થું આપવામાં આવ્યું હોય.
આ નોટિફિકેશનના અંતમાં એક ટિપ્પણી કરવામાં આવી હતી. જેમાં લખ્યું હતું કે, “સંસદ સભ્યોના પગાર ભથ્થા અને પેન્શન એક્ટ 1954માં છેલ્લે 28 માર્ચ 2018 ના રોજ સુધારણા કરવામાં આવી હતી.” આ જ ક્લૂના આધારે અમે જૂના નોટિફિકેશનને શોધી કાઢ્યુ હતુ. સંસદિય કાર્ય મંત્રાલયની વેબસાઈટ પર અમે 1 એપ્રિલ 2018 સુધીના સંશોધિત કરાયેલા નિયમ મળ્યા હતા. વેબસાઈટમાં ઉપલબ્ધ જાણકારી પ્રમાણે સંસદ સભ્યોના પગાર, ભથ્થા અને પેન્શન એક્ટ, 1954 હેઠળ, સાંસદોને મત વિસ્તારના ભથ્થા પેટે 70 હજાર રૂપિયા અને 60 હજાર રૂપિયા ઓફિસના ખર્ચ માટે આપવામાં આવતા હતા.
MSAACT_07 એપ્રિલ 2020 શું બદલાવ થયા..?
મત વિસ્તારના ભથ્થામાં ઘટાડો
1. મત વિસ્તારના ભથ્થુ જે 70 હજાર હતું, તે હવે 30% ઘટાડા બાદ 49 હજાર આપવામાં આવશે.
ઓફિસ ખર્ચના ભથ્થામાં ઘટાડો
7 એપ્રિલના નોટિફિકેશન પહેલા 60 હજાર રૂપિયા ઓફિસ ભથ્થા પેટે આપવામાં આવતા હતા. જેમાં સ્ટેશનરી વગેરે માટે 20 હજાર અને સ્ટાફ રાખવા 40 હજાર આપવામાં આવતા હતા. પરંતુ હવે, તેમને કુલ 54 હજાર રૂપિયા મળશે. સ્ટેશનરી માટે 14 હજાર અને 40 હજાર સ્ટાફ રાખવા માટે. સ્ટાફને આપવામાં આવતા ભંડોળમાં કાપ મૂકાયો નથી.
આ માહિતી રાજ્યસભાની વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે.
તેમજ DECCANHERALD દ્વારા 7 એપ્રિલ 2020ના પ્રસારિત આ અહેવાલમાં પણ સંપૂર્ણ અને વિસતૃત માહિતી આપવામાં આવી હતી.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, સાંસદોના પગારમાં 49 હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો તે વાત તદ્દન ખોટી છે. પોસ્ટ સાથે શેર કરવામાં આવેલું નોટિફિકેશન સાંસદોના પગારમાં ઘટાડાનું છે. વધારાનું નહિં.

Title:શું ખરેખર સાંસદ સભ્યના ભથ્થામાં 49 હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
