
તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેદારનાથ મંદિરની યોગ દ્વારા પ્રદક્ષિણા કરી રહેલા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેદારનાથ મંદિરની યોગ દ્વારા પ્રદક્ષિણા કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કેદારનાથ મંદિરની યોગ દ્વારા પ્રદક્ષિણા કરી રહેલા વ્યક્તિનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો નહીં પરંતુ આચાર્ય સંતોષ ત્રિવેદીનો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક સોશિયલ મીડિયા યુઝર દ્વારા 17 ઓગસ્ટ, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આ વીડિયો 1980નો છે. કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે આ સાધુ જે એકાંતમાં હાથ પર ઊંધો ચાલશે અને હિમવર્ષા વચ્ચે શ્રી કેદારનાથ મંદિરની પરિક્રમા કરશે તે એક દિવસ ભારતની સવાર બની જશે. જુઓ નરેન્દ્ર મોદીજીની તપસ્યા!. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેદારનાથ મંદિરની યોગ દ્વારા પ્રદક્ષિણા કરી રહેલા વ્યક્તિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો 22 જૂન, 2021 ના રોજ એક ચેનલ પર પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. તેની સાથે આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે, યોગી આચાર્ય સંતોષ ત્રિવેદી વીડિયોમાં યોગ કરી રહ્યા છે. તેઓ કેદારનાથ મંદિરમાં યોગ કહી રહ્યા છે
આ માહિતીને ધ્યાનમાં રાખીને અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને આજ વીડિયો 21 જૂન, 2021 ના રોજ ETV Bharat ની વેબસાઈટ પર પ્રસારિત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જે તમે નીચેના ચિત્રમાં જોઈ શકો છો.
કેદારનાથમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર પૂજારી સંતોષ ત્રિવેદીએ તેમના હાથની મદદથી મંદિરની પરિક્રમા કરી. તે દરમિયાન, તીર્થ પુરોહિત સમાજ લગભગ એક અઠવાડિયાથી કેદારનાથ મંદિરમાં દેવસ્થાનમ બોર્ડ વિરુદ્ધ શીર્ષાસન આંદોલન ચલાવી રહ્યો હતો. આંદોલન કરીને તેઓ સરકાર પાસે દેવસ્થાનમ બોર્ડને ભંગ કરવાની માંગ કરી રહ્યા હતા.
અમે આ દાવા વિશે ગુગલ પર જુદા-જુદા કીવર્ડથી સર્ચ કર્યું હતું, પરંતુ અમને એવી કોઈ વિશ્વસનીય વેબસાઈટ મળી ન હતી જે જણાવે કે, આ વીડિયોમાં યોગ કરી રહેલા યોગી વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કેદારનાથ મંદિરની યોગ દ્વારા પ્રદક્ષિણા કરી રહેલા વ્યક્તિનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો નહીં પરંતુ આચાર્ય સંતોષ ત્રિવેદીનો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:શું ખરેખર કેદારનાથ મંદિરની યોગ થકી પ્રદક્ષિણા કરી રહેલા વ્યક્તિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False
