
તાજેતરમાં સોશિયલ મીડિયા પર સમાચારપત્રના કટિંગનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મધ્યપ્રદેશ સરકાર મહિલાઓ માટે અલગથી દારુની દુકાનો શરુ કરશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મધ્યપ્રદેશ સરકાર મહિલાઓ માટે અલગથી દારુની દુકાનો શરુ કરશે એવા સમાચારપત્રના કટિંગનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2020માં પ્રસારિત થયેલા સમાચારનો છે. એ સમયે મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર હતી. આ ફોટોને હાલની પરિસ્થિતિ કે ભાજપ સરકાર સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક સોશિયલ મીડિયા યુઝર દ્વારા 24 ઓગસ્ટ, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, હવે રંગલા ને વિશ્વગુરુ બનતા કોઈ ના રોકી શકે હો. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મધ્યપ્રદેશ સરકાર મહિલાઓ માટે અલગથી દારુની દુકાનો શરુ કરશે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ધ્યાનથી જોયા બાદ અમને એ માલૂમ પડ્યું હતું કે, આ ફોટોના સમાચાર પીપુલ્સ બ્યુરો, ભોપાલ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા છે. જેમાં નીચે મોબાઈલ નંબર પણ આપેલો છે. જેના પર સંપર્ક કરતાં અમારી વાત સીતારામ ઠાકુર સાથે થઈ હતી. તો તેઓએ અમને જણાવ્યું હતું કે, આ સમાચાર વર્ષ 2020માં પ્રસારિત કરવામાં આવ્યા હતા. ત્યારે મધ્યપ્રદેશમાં કમલનાથના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકાર શાસનમાં હતી. એ સમયે મહિલાઓ માટે અલગથી દારુની દુકાનો ખોલવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. પરંતુ ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવતાં તેની અમલવારી થઈ શકી ન હતી. વધુમાં એ પણ જણાવ્યું હતું કે, તાજેતરમાં પણ આવી કોઈ જ યોજના અમલમાં નથી.
અમારી વધુ તપાસમાં અમને ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનો એક અહેવાલ મળ્યો હતો જેના મુજબ, મધ્યપ્રદેશ સરકારે 2020માં મહિલાઓ માટે એક અલગ દારૂની દુકાન ખોલવાનો નિર્ણય લીધો હતો. જેમાં મહિલાઓ કોઈપણ મુશ્કેલી વિના દારૂ ખરીદી શકશે.
કોંગ્રેસની કમલનાથ સરકારે શરૂઆતમાં ભોપાલ, ઇન્દોર, જબલપુર અને ગ્વાલિયરમાં બે-બે દુકાનો ખોલવાનો નિર્ણય લીધો હતો.
તમને જણાવી દઈએ કે, 17 ડિસેમ્બર, 2018 થી 23 માર્ચ, 2020 સુધી મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર હતી. 23 માર્ચ, 2020 પછી ભાજપના શિવરાજસિંહ ચૌહાણ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બન્યા. મહિલાઓ માટે દારૂની દુકાનના સમાચાર તેના એક મહિના પહેલા એટલે કે ફેબ્રુઆરી 2020ના છે.
આ સમાચાર ચર્ચામાં આવ્યા પછી, કમલનાથ સરકારે સ્પષ્ટતા કરવી પડી. તત્કાલીન વાણિજ્યિક કર મંત્રી બ્રિજેન્દ્ર સિંહ રાઠોડે સ્પષ્ટતા કરી હતી કે, “મધ્યપ્રદેશમાં મહિલાઓ માટે નવા દારૂના આઉટલેટ ખોલવાની મંજૂરી આપવાની કોઈ યોજના નથી. રાઠોડે કહ્યું કે હાલમાં મધ્યપ્રદેશ સરકાર પાસે આવી કોઈ નીતિ કે પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી.”
ભોપાલના એક સામાજિક કાર્યકર્તા ઝાકી અહેમદે મહિલાઓ માટે દારૂની દુકાન ખોલવાના સમાચાર અંગે માહિતી અધિકાર (RTI) હેઠળ માહિતી માંગી હતી. અમે ઝાકી અહેમદનો સંપર્ક કર્યો. તેમણે જણાવ્યું કે, આના જવાબમાં, એક્સાઇઝ કમિશનરે કહ્યું હતું કે, સરકારે આવો કોઈ નિર્ણય લીધો નથી.
અમે મધ્યપ્રદેશના ગ્વાલિયર એક્સાઇઝ કમિશનરનો સંપર્ક કર્યો. એડિશનલ એક્સાઇઝ કમિશનર મુકેશ નીમાએ અમને જણાવ્યું કે, આ સમાચાર જૂના છે. હજુ સુધી આવી કોઈ યોજના આવી નથી. મહિલાઓ માટે અલગ દારૂની દુકાન ખોલવાના સમાચાર બિલકુલ ખોટા છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મધ્યપ્રદેશ સરકાર મહિલાઓ માટે અલગથી દારુની દુકાનો શરુ કરશે એવા સમાચારપત્રના કટિંગનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2020માં પ્રસારિત થયેલા સમાચારનો છે. એ સમયે મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર હતી. આ ફોટોને હાલની પરિસ્થિતિ કે ભાજપ સરકાર સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાણો મધ્યપ્રદેશમાં મહિલાઓ માટે અલગથી દારુની દુકાનો ખોલાવામાં આવશે હોવાના નામે વાયરલ થઈ રહેલા સામાચારપત્રના ફોટોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult:Missing Context
