
તાજેતરમાં સોશિયલ મીડિયા પર દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમિત શાહ એવું કહી રહ્યા છે કે, નરેન્દ્ર મોદીએ જ્યારથી શપથ લીધી ત્યારથી અત્યાર સુધી ભારત પર 3 મોટા હુમલા થયા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં અમિત શાહના નિવેદનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટ કરેલો અધૂરો વીડિયો છે. વાસ્તવિક વીડિયોમાં અમિત શાહ કોંગ્રેસ સરકારની નિંદા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાજપ સરકારના વખાણ કરી રહ્યા છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક સોશિયલ યુઝર દ્વારા 27 ઓગસ્ટ, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, आप सही कह रहे गुरु जी नरेंद्र मोदी जी ने जब से शपथ ली तब से तीन बड़े हमले हुए,अक्सर सत्य बात जुबान पर आ ही जाती है!😅😂 આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમિત શાહ એવું કહી રહ્યા છે કે, નરેન્દ્ર મોદીએ જ્યારથી શપથ લીધી ત્યારથી અત્યાર સુધી ભારત પર 3 મોટા હુમલા થયા છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ આ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો અમિત શાહના સત્તાવાર યુટ્યુબ પર 17 મે, 2025ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો ગાંધીનગરમાં વિવિધ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે લોકોને સંબોધિત કર્યા હતા તેનો છે.
ઉપરોક્ત વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, વીડિયોમાં તમે 5.04 મિનિટ થી 6.52 મિનિટ સુધીમાં વાયરલ ક્લિપના ભાગો જોઈ શકો છો. આ સમયે અમિત શાહ કોંગ્રેસ પાર્ટી પર પ્રહાર કરતાં એવું કહી રહ્યા છે કે, “हमारे देश को सुरक्षित करने का काम भी हमारे नेता नरेंद्र मोदी जी ने किया। दो हज़ार चौदह में जब मोदी जी प्रधानमंत्री बने, उसके पहले सालों से आए दिन देश भर में आतंकी हमले होते थे। पाकिस्तान से आतंकवादी आते थे और हमारे जवानों को, हमारी जनता को मारकर चले जाते थे। बम धमाके करते थे। कई प्रकार के षड्यंत्र करते थे, मगर कोई जवाब नहीं दिया जाता था। नरेंद्र मोदी जी ने जब शपथ ली तब से तीन बड़े हमले हुए। पहला हमला उरी में हुआ। दूसरा हमला पुलवामा में हुआ और तीसरा हमला अभी, अभी पहलगाम में करने का दुस्साहस पाकिस्तान प्रेरित आतंकवादियों ने किया। मगर मित्रों, मोदी जी ने हर हमले का जवाब इतनी मक्कमता से दिया है कि आज पूरी दुनिया आश्चर्यचकित होकर देख रही है और पाकिस्तान भयभीत होकर उसका अनुभव कर रहा है।”
આજ માહિતી સાથેના સમાચાર અન્ય કેટલાક મીડિયા માધ્યમો દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Dainik Savera | News 18 India
નીચે તમે અમિત શાહના વાયરલ થઈ રહેલા અધૂરા વીડિયો અને વાસ્તવિક વીડિયો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં અમિત શાહના નિવેદનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટ કરેલો અધૂરો વીડિયો છે. વાસ્તવિક વીડિયોમાં અમિત શાહ કોંગ્રેસ સરકારની નિંદા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાજપ સરકારના વખાણ કરી રહ્યા છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Title:જાણો અમિત શાહના નિવેદનના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
