
તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ટિપ્પણી કરી રહેલા પ્રિયંકા ગાંધીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વડાપ્રધાન પર ટિપ્પણી કરી રહેલા પ્રિયંકા ગાંધીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2023નો છે. આ વીડિયોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિવંગત માતા પરની ટિપ્પણીના બનાવ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે?
એક સોશિયલ મીડિયા યુઝર દ્વારા 6 સપ્ટેમ્બર, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આમની પાસે બીજી આશા પણ શું રાખી શકાય. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી તેનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ પ્રથમ અમે ગુગલ રિવર્સ ઇમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને 15 નવેમ્બર, 2023 ના રોજ ANI ન્યૂઝની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાયેલ પોસ્ટમાં મૂકવામાં આવેલો આ જ વીડિયો પ્રાપ્ત થયો હતો, જેનું શીર્ષક હતું “‘મેરે નામ…’ પ્રિયંકા ગાંધીએ સલમાન ખાનના ‘તેરે નામ’ જેવી જ પીએમ મોદી પર ફિલ્મ બનાવવા માટે ટિપ્પણી કરી હતી. આ વીડિયોમાં તેણી મધ્યપ્રદેશમાં યોજાનારી ચૂંટણીની એક જાહેર રેલીમાં બોલતી જોવા મળે છે.
તેમાં પ્રિયંકા ગાંધી પીએમ મોદીની રાજકારણની શૈલીની ટીકા કરતી જોવા મળે છે, પરંતુ આ ટિપ્પણીઓ 2023 ની છે તેને તાજેતરની ઘટના સાથે કોઈ જ સંબંધ નથી.
વધુ તપાસમાં અમને પ્રિયકા ગાંધીના આ ભાષણ અંગે 2023 ના અનેક સમાચાર અહેવાલો મળ્યા. આ અહેવાલો અનુસાર, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મધ્યપ્રદેશના સીધીમાં એક જાહેર રેલીને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કરતાં કહ્યું હતું કે, “પીએમ મોદી રડતાં રહે છે, તેથી તેમના પર સલમાન ખાનની ‘તેરે નામ’ જેવી ફિલ્મ ‘મેરે નામ’ બનાવવી જોઈએ.”

વધુ શોધખોળ કરતાં અમને આ વાયરલ વીડિયોનું સંપૂર્ણ ફૂટેજ ધ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના સત્તાવાર યુટ્યુબ એકાઉન્ટ પર મળ્યું. જેમાં તમે વાયરલ વીડિયો 21:43 મિનિટથી જોઈ શકો છો.
આ બધી વિગતો ધ્યાનમાં લેતા, આપણે સમજી શકીએ છીએ કે વાયરલ વીડિયો નવેમ્બર 2023નો છે, જ્યારે પ્રિયંકા ગાંધી વાડ્રાએ મધ્યપ્રદેશના દતિયામાં પીએમ મોદી વિશે ટિપ્પણી કરી હતી. બિહારમાં મતદાતા અધિકાર યાત્રા દરમિયાન તેમની માતા વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી સાથે તેનો કોઈ સંબંધ નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વડાપ્રધાન પર ટિપ્પણી કરી રહેલા પ્રિયંકા ગાંધીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2023નો છે. આ વીડિયોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિવંગત માતા પરની ટિપ્પણીના બનાવ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ટિપ્પણી કરી રહેલા પ્રિયંકા ગાંધીના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: Missing Context
