
તાજેતરમાં સોશિયલ મીડિયા પર અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી રાજકીય આગાહીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આગાહીકાર અંબાલાલ પટેલે એવી આગાહી કરી કે, ભાજપ સરકાર તૂટશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં આગાહીકાર અંબાલાલ પટેલનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એમાં ક્યાંય પણ તેઓએ ભાજપ સરકારનું નામ લીધું નથી તેઓએ ખુદ સ્પષ્ટતા કરી હતી કે તેમણે તમામ રાજકીય પક્ષોની વાત કરી છે. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી અને અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 16 જાન્યુઆરી, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આગાહીકાર અંબાલાલ પટેલે એવી આગાહી કરી કે, ભાજપ સરકાર તૂટશે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને આજ વીડિયો Nirbhay News Gopi Ghanghar દ્વારા 17 જાન્યુઆરી, 2025 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ સંપૂર્ણ વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, અંબાલાલ પટેલે રાજકીય આગાહીમાં ક્યાંય પણ ભાજપ સરકારનું નામ લીધું નથી.
ઉપરોક્ત વીડિયોમાં અંબાલાલ પટેલ એવું કહી રહ્યા છે કે, રાજકીય પક્ષોમાં હુંસાતુંસી, પક્ષપલટા તેમજ કેટલીક સરકારો માટે મુસીબત આ શકે એવું કહી રહ્યા છે.
અમારી વધુ તપાસમાં અમને એબીપી અસ્મિતા દ્વારા પણ 14 જાન્યુઆરી, 2025 ના રોજ આજ વીડિયો સાથેના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં પણ ક્યાંય ભાજપ સરકાર તૂટશે એવું અંબાલાલ પટેલ બોલ્યા નથી.
આજ વીડિયો સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. ABP Asmita
અમારી તપાસને વધુ મજૂત બનાવવા માટે અમે સીધો જ અંબાલાલ પટેલનો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “મેં ભાજપ સરકાર તૂટશે એવી કોઈ જ આગાહી કરી નથી મેં તમામ રાજકીય પક્ષો અંગેની વાત કરી છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં આગાહીકાર અંબાલાલ પટેલનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એમાં ક્યાંય પણ તેઓએ ભાજપ સરકારનું નામ લીધું નથી તેઓએ ખુદ સ્પષ્ટતા કરી હતી કે તેમણે તમામ રાજકીય પક્ષોની વાત કરી છે. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી અને અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:જાણો અંબાલાલ પટેલે ભાજપ સરકાર તૂટશે એવી આગાહી કરી હોવાના નામે વાયરલ માહિતીનું શું છે સત્ય….
Written By: Vikas VyasResult: False
