
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની અંતિમ યાત્રાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની અંતિમ યાત્રામાં કોંગ્રેસના એક પણ નેતા હાજર રહ્યા ન હતા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની અંતિમ યાત્રાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ અધૂરો છે કારણ કે, મનમોહનસિંહની અંતિમ યાત્રામાં કોંગ્રેસના ઘણા બધા નેતાઓ હાજર રહ્યા હતા. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે?
એક ફેસબુક યુઝર દ્વારા 28 ડિસેમ્બર, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, સ્વ: મનમોહનસિંહ ની અંતિમયાત્રા માં કોઈ પણ કોંગ્રેસ ના કાર્યકર્તા નો દેખાયા શુ મનમોહનસિંહ ને કોંગ્રેસ પાર્ટી તથા ગાંધી પરિવાર દ્વારા સતત અપમાનિત કરવા માં આવી રહ્યા છે? પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની અંતિમ યાત્રામાં કોંગ્રેસના એક પણ નેતા હાજર રહ્યા ન હતા.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને ઘણા મીડિયા અહેવાલો મળ્યા જેમાં કહેવામાં આવ્યું હતું કે, રાહુલ ગાંધી અંતિમ યાત્રામાં સામેલ હતા. સર્ચ દરમિયાન અમને જનસત્તાની યુટ્યુબ ચેનલ પર એક લાઈવ વીડિયો મળ્યો. તેને 29 ડિસેમ્બરે લાઈવ કરવામાં આવ્યું હતું. એવું પણ કહેવામાં આવ્યું હતું કે, રાહુલ ગાંધી અંતિમ યાત્રામાં સામેલ હતા. વીડિયોમાં રાહુલ ગાંધી જોઈ શકાય છે.
અમારી વધુ તપાસમાં અમને એનડીટીવી ન્યૂઝના યુટ્યુબ એકાઉન્ટ પરથી એક લાઈવ વીડિયો મળ્યો હતો. આ વીડિયોમાં પણ રાહુલ ગાંધી મૃતદેહ સાથે ચાલતી ટ્રકમાં બેઠેલા તમે જોઈ શકો છો.
વધુમાં અમને ડેક્કન ક્રોનિકલના ટ્વિટર એકાઉન્ટ પર કરવામાં આવેલી એક પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેમાં રાહુલ ગાંધી અને તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી શવ વાહનની સાથે ચાલી રહેલા ટ્રકમાં બેઠેલા જોઈ શકાય છે.
આ સિવાય ન્યૂઝ એજન્સી ANI ના વીડિયોમાં રાહુલ ગાંધી નિગમબોધ ઘાટ પર મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપતા જોવા મળી રહ્યા છે.
આ ઉપરાંત, ANI ના અન્ય એક વીડિયોમાં મનમોહન સિંહની પત્ની ગુરશરણ કૌર અને તેમની પુત્રી દમન સિંહ સિવાય સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા નિગમ બોધ ઘાટ પર અંતિમ સંસ્કારમાં ભાગ લેતા જોઈ શકાય છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની અંતિમ યાત્રાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ અધૂરો છે કારણ કે, મનમોહનસિંહની અંતિમ યાત્રામાં કોંગ્રેસના ઘણા બધા નેતાઓ હાજર રહ્યા હતા. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770)પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagramઅને Twitterપર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાણો મનમોહનસિંહની અંતિમ યાત્રામાં કોંગ્રેસના એક પણ નેતા હાજર ન હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….
Written By: Vikas VyasResult: False
