તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાડીલાલ આઈસ્ક્રીમના પેકેટ પર હલાલનો લોગો દર્શાવતો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હવે ભારતમાં પણ હલાલ સર્ટિફિકેટના લોગો સાથેના વાડીલાલ આઈસ્ક્રીમના પેકેટ વેચાઈ રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં હલાલ સર્ટિફિકેટના લોગો સાથેના વાડીલાલ આઈસ્ક્રીમના પેકેટનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ જૂનો ફોટો છે અને આ પેકેટ ફક્ત ભારતમાંથી બહાર નિકાસ માટે બનાવવામાં આવ્યું હતું. આ પેકેટનું વેચાણ ભારતમાં થતું નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 24 જુલાઈ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, લો બોલો...હવે માર્કેટમાં હલાલ આઈસ્ક્રીમ પણ આવી ગઈ...લોકોને છેતરવા માટે કંપનીઓ હવે ક્યાં સુધી જશે...કોઈની ધાર્મિક ભાવનાઓ સાથે આવી મશકરી... આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હવે ભારતમાં પણ હલાલ સર્ટિફિકેટના લોગો સાથેના વાડીલાલ આઈસ્ક્રીમના પેકેટ વેચાઈ રહ્યા છે.

download.png

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને વાડીલાલ આઈસ્ક્રીમની સત્તાવાર વેબસાઈટ પર મૂકવામાં આવેલી માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, એક સદીથી વધુ સમયથી, કંપની બજારમાં ઉચ્ચતમ ગુણવત્તા પ્રદાન કરવા માટે સમર્પિત છે. તેમની આઈસ્ક્રીમ કોઈપણ પ્રિઝર્વેટિવ્સ અથવા કૃત્રિમ સ્ટેબિલાઈઝર વિના બનાવવામાં આવે છે, ગ્રાહકોને દર વખતે તાજી અને આરોગ્યપ્રદ મીઠાઈઓ મળે તેની ખાતરી કરે છે. તેમના ઉત્પાદનો 100% શુદ્ધ દૂધ ક્રીમમાંથી બનાવવામાં આવે છે અને તે સંપૂર્ણ રીતે શાકાહારી હોય છે અને નૈસર્ગિક પરિસ્થિતિઓમાં ઉત્પન્ન થાય છે.

unnamed.jpg

વધુ તપાસમાં અમને LinkedIn પર વાડીલાલની એક પોસ્ટ મળી. પોસ્ટમાં લખ્યું છે કે, “વાડીલાલ 100% શાકાહારી છે. અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે ભારતમાં હલાલ પ્રમાણપત્ર સાથે વાડીલાલ આઈસ્ક્રીમ પેક વેચવામાં આવી રહ્યા છે તે અંગેની તાજેતરની અફવાઓ ખોટી છે. વાડીલાલ ખાતે, અમે 100% શાકાહારી આઈસ્ક્રીમ અને અન્ય ઉત્પાદનો ઓફર કરવામાં ગર્વ અનુભવીએ છીએ. હલાલ સર્ટિફિકેશન દર્શાવતા પેક ખાસ કરીને નિકાસ બજારો માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે જ્યાં ઉદ્યોગના ધોરણો અનુસાર આવા પ્રમાણપત્રની આવશ્યકતા છે. કૃપા કરીને ખાતરી કરો કે, ગુણવત્તા અને અધિકૃતતા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા અતૂટ છે. કૃપા કરીને આવી અફવાઓનો શિકાર ન થાઓ”

1714035481272.jpg

હલાલ સર્ટિફિકેટ શું છે?

હલાલ પ્રમાણપત્ર જણાવે છે કે, ખોરાક અથવા ઉત્પાદન ઇસ્લામના અનુયાયીઓ માટે માન્ય છે અને તેના ઉત્પાદન અથવા પ્રક્રિયામાં કોઈપણ હરામ સામગ્રી અથવા પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવતો નથી. ઉત્પાદન પર હલાલ લોગોની હાજરી ગ્રાહકને ખાતરી આપે છે કે, ઉત્પાદન હલાલના ધારા-ધોરણોનું પાલન કરે છે અને મુસ્લિમો દ્વારા તેનો ઉપયોગ કરી શકાય છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં હલાલ સર્ટિફિકેટના લોગો સાથેના વાડીલાલ આઈસ્ક્રીમના પેકેટનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ જૂનો ફોટો છે અને આ પેકેટ ફક્ત ભારતમાંથી બહાર નિકાસ માટે બનાવવામાં આવ્યું હતું. આ પેકેટનું વેચાણ ભારતમાં થતું નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો હલાલના લોગોવાળા વાડીલાલ આઈસ્ક્રીમના પેકેટના ફોટોનું શું છે સત્ય...

Written By: Vikas Vyas

Result: Misleading