પ્લેટફોર્મ પરના વ્યક્તિનો વીજ આંચકો પવન સાથે વહેતા વીજતરંગો ઈયરફોન તેમજ બ્લુતુથ દ્વારા શરીર પર અથડાવાના કારણે આ અકસ્માત ન હતો થયો. હાઈવોલ્ટેજ પાવરલાઇન તૂટીને તેના શરીર પર પડી હતી.

સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં રેલવે પ્લેટફોર્મ પર ઉભેલી વ્યક્તિની અંદરથી કરંટ પસાર થાય છે અને તે રેલવે ટ્રેક પર પડી જાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રેલવે ટ્રેકની નજીક હાઈવોલ્ટેજ કેબલ માંથી વીજળી મોબાઈલ બ્લુતુથના સંપર્કમાં આવતા આ ઘટના બની હતી.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Ramkant Tevani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 ડિસેમ્બર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રેલવે ટ્રેકની નજીક હાઈવોલ્ટેજ કેબલ માંથી વીજળી મોબાઈલ બ્લુતુથના સંપર્કમાં આવતા આ ઘટના બની હતી.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને 9 ડિસેમ્બર 2022ના રોજ ઈન્ડિયા ટુડે વેબસાઈટ પર પ્રકાશિત થયેલો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “આ વીડિયો પશ્ચિમ બંગાળના ખડગપુર રેલવે સ્ટેશનનો છે. વીડિયોમાં દેખાતો વ્યક્તિ ટિકિટ ચેકર સુજાન સિંહ છે અને તે 7 ડિસેમ્બરે પ્લેટફોર્મ નંબર ચાર નજીક ફૂટઓવર બ્રિજ પાસે તેના સાથી TTE સાથે ઊભો રહીને વાત કરી રહ્યો હતો, ત્યારે એક હાઈવોલ્ટેજ વાયર તૂટીને સુજાન સિંહના માથા પર પડ્યો હતો. પીડિત સુજાન સિંહને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં તેની હાલત સ્થિર છે.”

તેમજ વધુ સર્ચ કરતા અમને ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા 9 ડિસેમ્બર દ્વારા પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. આ અહેવાલમાં ખડગપુરના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર રાજેશ કુમારનું નિવેદન પ્રસારિત કરવામાં આવ્યુ હતુ જેમણે કહ્યુ હતુ કે, “અકસ્માતની તપાસ હજુ ચાલુ છે. ટીટીઈ સુજાન સિંહ સાથે થયેલા અકસ્માત વિશે લખવામાં આવ્યું છે કે, હાઈ વોલ્ટેજ વાયરની ઝપેટમાં આવીને તેઓ ઘાયલ થયા હતા, જેમને ખડગપુર રેલ્વે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હોવાનું પણ લખવામાં આવ્યું છે.”
તેમજ Subhash Lall નામના ફેસબુક યુઝર દ્વારા 8 ડિસેમ્બર 2022ના એક પોસ્ટ શેર કરી હતી અને જેમાં ટીટી સરદાર સુઝાન સિંહની હોસ્પિટલની ફોટો શેર કરવામાં આવી હતી અને માહિતી આપવામાં આવી હતી કે, “હાઈ વોલ્ટેજ વાયરના સંપર્કમાં આવ્યા બાદ સ્ટેશન સ્ટાફ દ્વારા સુજાન સિંહને સ્થાનિક રેલવે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ હવે સ્વસ્થ છે. આ દરમિયાન ઘણા સ્થાનિક નેતાઓ હોસ્પિટલ ગયા અને ઘાયલ સુજાન સિંહ અને તેમના પરિવારને મળ્યા.”
તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે તપાસ આગળ વધારી હતી, દરમિયાન અમને Zee 24 Ghanta નો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “એડીઆરએમ મોહમ્મદ શુજાત અલીનું નિવેદન હતુ. જેમાં તેઓ ટીટી સરદાર સુજાત સિંહની હાલત ઠીક હોવાની પુષ્ટિ કરી રહ્યા છે.”
આમ, તમામ મિડિયા અહેવાલો પણ પૃષ્ટિ કરે છે કે, ઇલેક્ટ્રિક વાયર તૂટીને શરીર પર પડવાને કારણે અકસ્માત થયો હતો. તે સિવાય ક્યાંય એવો ઉલ્લેખ નથી કે, વીજળીના તરંગો વહેતા થયા અને નેટ પર ઈયરફોન લગાવવાને કારણે આ ઘટના બની હોય.
વીજળી સામાન્ય રીતે પવન દ્વારા વહેતી નથી. કારણ કે વીજળીને પવન દ્વારા વહેવા માટે ઘણા વોલ્ટેજની જરૂર પડે છે. આ વોલ્ટેજને બ્રેકડાઉન વોલ્ટેજ કહેવામાં આવે છે. આ વોલ્ટેજ પર, વિન્ડિંગમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે, તેથી વિન્ડિંગ માંથી વીજળી વહે છે. Paschen ના સૂત્ર દ્વારા, આપણે પવનના બ્રેકડાઉન વોલ્ટેજને જાણીએ છીએ. Sciencing.com વેબસાઈટ ઉલ્લેખ કરે છે કે પવનના એક ઈંચનું બ્રેકડાઉન વોલ્ટેજ Paschen ના સૂત્ર મુજબ 20kV થી 75kV સુધી હોઈ શકે છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પ્લેટફોર્મ પરના વ્યક્તિનો વીજ આંચકો પવન સાથે વહેતા વીજતરંગો ઈયરફોન તેમજ બ્લુતુથ દ્વારા શરીર પર અથડાવાના કારણે આ અકસ્માત ન હતો થયો. હાઈવોલ્ટેજ પાવરલાઇન તૂટીને તેના શરીર પર પડી હતી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:મોબાઈલ બ્લુતુથ અને રેલવેની હાઈવોલ્ટેજ લાઈનને કોઈ કનક્શેન હોવાની વાત તદ્દન ખોટી છે… જાણો શું છે સત્ય…
Fact Check By: Frany KariaResult: False
