
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ફટાકડા ભરેલી ટ્રકમાં લાગેલી આગનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે જઈ રહેલી ફટાકડા ભરેલી ટ્રકમાં ઉન્નાવ ખાતે આગ લાગી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં ફટાકડા ભરેલી ટ્રકમાં લાગેલી આગનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ટ્રક અયોધ્યા નહીં પરંતુ બહરાઈચ જઈ રહી હતી. આ વીડિયોને અયોદ્યા રામ મંદિર સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 17 જાન્યુઆરી, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, અયોધ્યા જઈ રહેલા ફટાકડા ભરેલા ટ્રકમાં લાગી આગ;કલાકો સુધી રોડ પર થઈ આતશબાજી…. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે જઈ રહેલી ફટાકડા ભરેલી ટ્રકમાં ઉન્નાવ ખાતે આગ લાગી તેનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વાયરલ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેની 17 જાન્યુઆરી, 2024 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી જેનો જવાબ ઉન્નાવ પોલીસ દ્વારા આપવામાં આવ્યો હતો.
ઉન્નાવ પોલીસના જણાવ્યા અનુસાર, “17.01.2024ના રોજ સવારે લગભગ 4:00 વાગ્યે, ટ્રક નંબર TN 28 AL 6639, જે ફટાકડાથી ભરેલી હતી, પૂરવા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ખરગીખેડા ગામ પાસે અજ્ઞાત કારણોસર આગ લાગી હતી. પૂરવા પોલીસ સ્ટેશન અને ફાયર બ્રિગેડની ટીમે માહિતી મેળવ્યા બાદ ઘટનાસ્થળે પહોંચી આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી અને કોઈ જાનહાનિ થઈ ન હતી.
ટ્રક માલિક સાથે વાત કર્યા બાદ પોલીસને ખબર પડી કે, આ ટ્રક તમિલનાડુથી બહરાઈચ જઈ રહી હતી, જેમાં ફટાકડા, બાળકોના પોસ્ટર, ફિલ્મ કલાકારોના પોસ્ટર અને દુકાનમાં સપ્લાય કરવા માટેના ધાર્મિક પોસ્ટરો ભરેલા હતા.
પૂર્વ વિસ્તારના અધિકારી સોનમ સિંહે નવભારત ટાઈમ્સને જણાવ્યું કે, 17 જાન્યુઆરી, 2024ના રોજ સવારે 4 વાગ્યે ફટાકડાથી ભરેલી એક ટ્રક બહરાઈચ જઈ રહી હતી ત્યારે તેમાં ખરગીખેડા ગામ પાસે અજ્ઞાત કારણોસર આગ લાગી હતી.

ટીવી9 ભારતવર્ષ દ્વારા પણ આજ સમાચાર 17 જાન્યુઆરી, 2014 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ફટાકડા ભરેલી ટ્રકમાં લાગેલી આગનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ટ્રક અયોધ્યા નહીં પરંતુ બહરાઈચ જઈ રહી હતી. આ વીડિયોને અયોદ્યા રામ મંદિર સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:જાણો ફટાકડા ભરેલી ટ્રકમાં લાગેલી આગના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….
Written By: Vikas VyasResult: False
