
Nitinbhai Soni નામના ફેસબુક યુઝર દ્વારા 2 ડિસેમ્બર,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, હરહરમહાદેવ. જ્યારે આ પોસ્ટના લખાણમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ગુજરાતના ભાવનગર ખાતે સમુદ્રમાં એક કિલોમીટર અંદર એક શિવલિંગ આવેલું છે જેની ઊંચાઈ 20 ફૂટ છે. આ પોસ્ટને 1000 થી વધુ લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 96 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 63 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Post Archive
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર ગુજરાતના ભાવનગર ખાતે સમુદ્રની અંદર આવેલા શિવલિંગની ઊંચાઈ 20 ફૂટ છે કે કેમ? એ જાણવા સૌપ્રથમ અમે ભાવનગર ખાતે સ્થાનિક પત્રકારનો સંપર્ક કરીને આ માહિતી અંગે પૂછતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “નિષ્કલંક મહાદેવનું મંદિર સમુદ્રમાં આવેલું હોવાની માહિતી સાચી છે તેમજ તેના દિવસમાં બે વાર દર્શન ભરતી અને ઓટને આધારે થાય છે. જ્યારે શિવલિંગની ઊંચાઈ 20 ફૂટ નહીં પરંતુ 3 થી 4 ફૂટ જ છે.”
ત્યાર બાદ અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે કોળિયાકના સ્થનિકો તેમજ સરપંચ જગદીશભાઈ સાથે પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “નિષ્કલંક મહાદેવનું આ શિવલિંગ 20 ફૂટ હોવાની માહિતી ખોટી છે તેમજ આ શિવલિંગ એક પાંચ થી છ ફૂટના ઓટલા પર બિરાજેલું છે. જેની ઊંચાઈ 3 થી 4 ફૂટ જ છે.”
વધુમાં અમને નિષ્કલંક મહાદેવના મંદિર ખાતે આવેલા જુદા જુદા પાંચ શિવલિંગના ફોટો પણ પ્રાપ્ત થયા હતા જે તમે નીચે જોઈ શકો છો.

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને 9 સપ્ટેમ્બર, 2019 ના રોજ GS TV દ્વારા પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવું જણાવવામાં આવ્યું હતું કે, ભાવનગર ખાતે આવેલા નિષ્કલંક મહાદેવના મંદિરે દર ભાદરવી અમાસને દિવસે મેળો ભરાય છે. તેમજ દિવસમાં બે વાર ભક્તોને આ શિવલિંગના દર્શન કરવાનો લાભ મળે છે. શિવલિંગના દર્શન દરિયામાં આવતી ભરતી અને ઓટ પર આધારિત હોય છે. આ માહિતીમાં પણ અમને ક્યાંય પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. આ સમાચાર તમે નીચે જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં અમને દિવ્યભાસ્કર દ્વારા 15 જુલાઈ, 2018 ના રોજ પુરસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પણ ક્યાંય આ શિવલિંગ 20 ફૂટનું હોવાની કોઈ જ માહિતી આપવામાં આવી નથી. વધુમાં એવું જણાવવામાં આવ્યું છે કે, આ શિવલિંગની એવી માન્યતા છે કે, જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે પાંચેય પાંડવો યુદ્ધ બાદ એ મુઝવણમાં હતા કે, આપણાથી આ યુદ્ધમાં ઘણા બધાની હત્યા થઈ છે. એ એક પાપ છે અને આ પાપના નિવારણ માટે આપણે કંઈક કરવું પડશે. તેથી આ પાપના કલંકમાંથી દૂર થવા માટે પાંચેય પાંડવો દુર્વાસા ઋષિ પાસે જાય છે અને બધી વાત કરે છે ત્યારે દુર્વાસા ઋષિ તેમને એક કાળા રંગની ધજા આપીને કહે છે કે, આ ધજા લઈને તમે દરિયાકાંઠે ચાલતા જાઓ અને જ્યાં એવી એક પવિત્ર જગ્યા આવશે કે જ્યાં નાહવાથી આ ધજાનો રંગ સફેદ થઈ જશે ત્યારે સમજજો કે તમરા તમામ કલંક દૂર થઈ ગયા. ત્યાર બાદ જ્યારે પાંચ પાંડવો ભાવનગરના કોળિયાક દરિયાકિનારે પહોંચીને સ્નાન કરે છે ત્યારે ધજા સફેદ થઈ જાય છે અને તેમના કલંક દૂર થતાં તેઓ ભગવાન શિવની આરાધના કરે છે તેથી આ જગ્યા પર ભગવાન શિવ દ્વારા પાંચેય પાંડવોને સ્વયંભૂ શિવલિંગ રૂપે દર્શન આપે છે. તેથી આ જગ્યાને નિષ્કલંક મહાદેવના નામે ઓળખાય છે.

અમારી વધુ તપાસમાં અમને waytoindia.com નામની વેબસાઈટ પર 2 જુલાઈ, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં ભાવનગર ખાતે આવેલા નિષ્કલંક મહાદેવના મંદિરની તમામ માહિતી આપવામાં આવી હતી. પરંતુ તેમાં પણ ક્યાંય આ શિવલિંગ 20 ફૂટનું છે એવી કોઈ જ માહિતી અમને પ્રાપ્ત થઈ ન હતી.
આ તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ભાવનગરના કોળિયાક ખાતે આવેલા નિષ્કલંક મહાદેવના દિવસમાં બે વાર દર્શન ભરતી અને ઓટ આધારિ થાય છે. તેમજ આ શિવલિંગ 20 ફૂટ ઊંચુ હોવાની માહિતી ખોટી છે તેની ઊંચાઈ 3 થી 4 ફૂટ જ છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો મિશ્રિત સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ભાવનગરના કોળિયાક ખાતે આવેલા નિષ્કલંક મહાદેવના દિવસમાં બે વાર દર્શન ભરતી અને ઓટ આધારિ થાય છે. તેમજ આ શિવલિંગ 20 ફૂટ ઊંચુ હોવાની માહિતી ખોટી છે તેની ઊંચાઈ 3 થી 4 ફૂટ જ છે.
છબીઓ સૌજન્ય : ગુગલ

Title:શું ખરેખર ભાવનગરના દરિયામાં 20 ફૂટ ઊંચું શિવલિંગ આવેલું છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: Partly False
