
Prakash Khasiya નામના ફેસબુક પેજ દ્વારા 21 ઓક્ટોમ્બર,2019 ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, તિબેટમાં વાદળ જમીન ઉપર આવીને ઉભુ રહ્યુ.. અદભૂત ઘટના.. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયો તિબેટમાં જમીન પર ઉતરેલા વાદળોનો છે. આ પોસ્ટને 229 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 4 લોકોએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 1600 થી વધુ લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Video Archive
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર તિબેટમાં આ પ્રકારની કોઈ ઘટના બની છે કે કેમ? એ શોધતાં ઈન્ટરનેટ પર આ વીડિયો છેલ્લા કેટલાય સમયથી હોવાની માહિતી અમને પ્રાપ્ત થઈ હતી. આ વીડિયોને કેટલાક લોકો દ્વારા ચીનનો હોવાની માહિતી આપવામાં આવી હતી તો કેટલાક લોકો દ્વારા આ વીડિયો તિબેટમાં આવેલા રેતીના તોફાન એટલે કે સેન્ડસ્ટોર્મનો હોવાનું જણાવવામાં આવ્યું હતું જે તમે નીચે જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં અમને એ જાણવા મળ્યું હતું કે, ચીનમાં એક શાંઘાઈ ઓબ્જર્વર વેબસાઈટ દ્વારા ગયા વર્ષે આ વીડિયો અંગે ખુલાસો કરવામાં આવ્યો હતો કે, આ કોઈ વાદળ નહીં પરંતુ સેન્ડસ્ટોર્મ એટલે કે રેતીનું તોફાન છે. ચીનમાં થોડાક વર્ષો પહેલાં આવો જ એખ વીડિયો વાયરલ થયો હતો. જેમાં એવી માહિતી વાયરલ થઈ રહી હતી કે વાદળ જમીન પર આવીને ઉભું રહ્યું. આ વીડિયો જોઈને વિશેષજ્ઞોએ તેને એક સેન્ડસ્ટોર્મ ગણાવ્યું હતું. વીડિયોમાં દેખાતા વાદળો ધૂળના વાદળો છે. ચીનમાં આ પ્રકારના સેન્ડસ્ટોર્મ સમયાંતરે આવતા જ હોય છે.

25 જુલાઈ, 2018 ના રોજ પણ ચીનના ગોલમુ શહેરમાં આ પ્રકારનું એક સોન્ડસ્ટોર્મ જોવા મળ્યું હતું. જેમાં પણ ધૂળના વાદળો વાદળ જેવા જ દેખાઈ રહ્યા છે. આ વીડિયોને ચીનના એક મીડિયા હાઉસ CGTN દ્વારા 26 જુલાઈ, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હતો જે તમે નીચે જોઈ શકો છો.
હવે એ જાણવું પણ જરૂરી હતું કે આ સેન્ડસ્ટોર્મ કે ડસ્ટસ્ટોર્મ છે શું?
આ સેન્ડસ્ટોર્મને ગુજરાતીમાં રેતીનું તોફાન કે રેતીનું વાવાઝોડું કહેવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ હવામાન સંગઠનના અનુસાર, આ પ્રકારના સેન્ડસ્ટોર્મ મોટેભાગે ઉત્તર આફ્રિકા, પશ્ચિમ અને મધ્ય એશિયા તેમજ ચીનમાં જોવા મળે છે. જ્યારે વરસાદના વાદળો એકઠા થાય છે ત્યારે તોફાની પવન ફૂંકાય છે, સપાટ અને સૂકી જમીન પર ધૂળ સ્થિર થવા લાગે છે. તેથી, વાદળમાં પાણી આવે તે પહેલાં તાપમાનમાં વધારો થાય છે. પછી જમીનની સપાટીને પરિણામે આકાશમાં ગરમ અને ઠંડા વાતાવરણનું સર્જન થાય છે. આથી ભારે પવન સાથે ધૂળ જમીન પર પડે છે. નીચે તમે રેતીનું વાવાઝોડું કેવી રીતે બને છે તેનો વીડિયો જોઈ શકો છો.
ભારતમાં પણ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાને ગયા વર્ષે રેતીના તોફાનનો સામનો કરવો પડ્યો હતો. જેમાં લગભગ 109 લોકોના મોત થયા હતા. તમે રાજસ્થાનના ચુરુ શહેરમાં આવેલા રેતીના તોફાનનો વીડિયો નીચે જોઈ શકો છો. આ તોફાનથી આખું શહેર ધૂળના વાદળોથી છવાઈ ગયું હતું. જેમાં પણ ધૂળના વાદળો વાદળ જેવા જ લાગતા હતા.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ આ વીડિયો જમીન પર ઉતરેલા વાદળોનો નહીં પરંતુ એક રેતીના તોફાન એટલે કે સેન્ડસ્ટોર્મનો છે. આ વીડિયો ઘણા સમયથી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ આ વીડિયો જમીન પર ઉતરેલા વાદળોનો નહીં પરંતુ એક રેતીના તોફાન એટલે કે સેન્ડસ્ટોર્મનો છે. આ વીડિયો ઘણા સમયથી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે.
છબીઓ સૌજન્ય : ગુગલ

Title:શું ખરેખર તિબેટમાં જમીન પર વાદળ આવી ગયા તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False
