
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઉત્તરપ્રદેશના વારાણસી ખાતે આવેલી જ્ઞાનવાપી મસ્જિદનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે તેના નામે ઘણા બધા ફોટા અને વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આવો જ એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને એ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઉત્તરપ્રદેશના વારાણસી ખાતે આવેલી જ્ઞાનવાપી મસ્જિદનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ રાજસ્થાનની અજમેર શરીફ મસ્જિદના વજુખાનાનો છે. આ ફોટોને જ્ઞાનવાપી મસ્જિદ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
A Z A D ツ નામના ફેસબુક યુઝર દ્વારા 16 મે, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, સાલા અંધભક્તો ને દરેક ઉભી વસ્તુઓમાં લિંગ જ દેખાય છે. આને લિંગ માનીને તે જગ્યાને સીલ કરી દેવામાં આવી છે. જ્ઞાનવાપી મસ્જિદ સર્વે કેસમાં મોટો દાવો સામે આવ્યો છે. વકીલ વિષ્ણુ જૈન વતી કોર્ટમાં દાખલ કરાયેલી અરજી અનુસાર, મસ્જિદની અંદર વઝુખાનામાં શિવલિંગ મળી આવ્યું છે. આ શિવલિંગ છે કે ફૂવારો..??. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઉત્તરપ્રદેશના વારાણસી ખાતે આવેલી જ્ઞાનવાપી મસ્જિદનો આ ફોટો છે.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, આ ફોટોમાં બાજુમાં Alamy લખેલું છે. ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને આજ ફોટો Alamy ની વેબસાઈટ પર પ્રાપ્ત થયો હતો. જેના સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ ફોટો રાજસ્થાનની અજમેર શરીફ દરગાહના વજુખાનાનો છે. વધુમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે, આ ફોટો 7 સપ્ટેમ્બર, 2016 ના રોજ લેવામાં આવ્યો હતો.

અમારી વધુ તપાસમાં અમને આજ ફોટો ગેટ્ટી ઈમેજીસ નામની વેબસાઈટ પર પણ પ્રકાશિત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં પણ એવું જ કહેવામાં આવ્યું છે કે, આ ફોટો રાજસ્થાનના અજમેર શરીફનો છે.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ રાજસ્થાનની અજમેર શરીફ મસ્જિદના વજુખાનાનો છે. આ ફોટોને જ્ઞાનવાપી મસ્જિદ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:શું ખરેખર જ્ઞાનવાપી મસ્જિદનો આ ફોટો છે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False
