
Khabar Gujaratni નામના ફેસબુક પેજ દ્વારા 19 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, અમેરિકામાં જોવા મળ્યું આગનું ભયંકર વાવાઝોડું, ઇતિહાસમાં પહેલીવાર આને લઇને ચેતવણી અમેરિકાના જંગલોમાં આગ લાગી છે. આના કારણે એક આગનું તોફાન હાલમાં જ જોવા મળ્યું. આ દ્રશ્ય ઘણું જ દુર્લભ હોય છે. અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં લૉયલ્ટન વિસ્તારની આ ઘટના છે. આને લઇને ઇતિહાસમાં પહેલીવાર યૂએસ નેશનલ સર્વિસ વેધરે ચેતવણી જાહેર કરી છે. આવો જાણીએ કે આગનું તોફાન કોને કહે છે અને આ કેવી રીતે બને છે. આગના તોફાનને ફાયર ટૉર્નેડો પણ કહે છે. આજકાલ આને ફાયરનૈડો પણ કહેવામાં આવે છે. જ્યારે ચક્રવાતી હવા આગની ગરમી, આગ અને ધુમાડાને પોતાની તરફ ખેંચે છે ત્યારે ફાયર ટૉર્નેડો બને છે. આને જોઇને એવું લાગે છે કે જમીનથી આગના એક ગોળાની લહેરો ફરતી-ફરતી આકાશ તરફ જઇ રહી છે. આનો સામનો કરવો ફાયરફાઇટર્સ માટે પણ મુશ્કેલ હોય છે આ દ્રશ્ય ઘણું જ દુર્લભ હોય છે. ઘણું જ ઓછું જોવા મળે છે. ઉત્તર કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી ભીષણ આગ જ આ ફાયર ટૉર્નેડોનું મુખ્ય કારણ હતી. મોસમ વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર ફાયર ટોર્નેડો ઘણા જ ગંભીર મોસમમાં જોવા મળે છે. આ સંપૂર્ણ રીતે આગથી ભરાયેલું હોય છે. તેના રસ્તામાં જે પણ આવે છે તે બળીને સંપૂર્ણ રીતથી રાખ થઈ જાય છે. આને પહોંચી વળવું ફાયરફાઇટર્સ માટે પણ મુશ્કેલ હોય છે. 270 કિમી પ્રતિકલાકની ઝડપે ચાલે છે હવા જો ફાયર ટૉર્નેડો માટે યોગ્ય મોસમ બની જાય છે તો આ આકાશમાં 30 હજાર ફૂટ સુધી જઈ શકે છે. આ દરમિયાન 177 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી હવા ચાલે છે. આ ઘણીવાર વધીને 270 કિમી સુધી જાય છે. 2 વર્ષ પહેલા 2018માં કૈલિફોર્નિયામાં જ ફાયર ટૉર્નેડો જોવા મળ્યું હતુ. ત્યારે તેણે 265 કિમી પ્રતિકલાકની ઝડપથી સફર કરી હતી. વર્ષ 2020માં અત્યાર સુધી લૉયલ્ટનમાં 20 હજાર એકર જંગલ બળીને રાખ થઈ ગયા છે. આ ફાયર ટૉર્નેડો પણ આ ભીષણ આગ, તાપમાન અને હવાની તેજ ગતિના મળવાથી પેદા થયો હતો. તાપમાન 1090 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે ફાયર ટૉર્નેડોને ફાયર સ્વર્લ અને ફાયર ટ્વિસ્ટર પણ કહે છે. આનું તાપમાન 1090 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે. સૌથી પહેલા 1871માં જોવા મળ્યું હતુ. ત્યારે તેને પેશ્તિગો ફાયર કહેવામાં આવતુ હતુ. આ અમેરિકાના વિલિયમ્સવિલેમાં જોવા મળ્યું હતુ. ત્યારબાદ જાપાન, અમેરિકા, ઑસ્ટ્રેલિયામાં જોવા મળવા લાગ્યું. સૌથી વધારે અમેરિકામાં જોવા મળે છે. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો અમેરિકામાં સર્જાયેલા આગના ભયંકર વાવાઝોડાનો છે. આ પોસ્ટને 11 લોકોએ લાઈક કરી હતી. તેમજ 3 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો અમેરિકામાં સર્જાયેલા આગના ભયંકર વાવાઝોડાનો છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને wildfiretoday.com દ્વારા 23 ઓક્ટોમ્બર, 2018 ના રોજ આજ ફોટો સાથે પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ઈંગ્લેન્ડના સ્વોડલિનકોટ ખાતે આગનું ભયંકર વાવાઝોડું સર્જાયું હતું. જેને ‘ફાયર ટોર્નેડો’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

અમારી વધુ તપાસમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો અને ઉપરોક્ત માહિતી સાથેના વીડિયો સમાચાર BBC દ્વારા 7 ઓગષ્ટ, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.
અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ ઉપરોક્ત માહિતી અને ફોટો સાથેના સમાચાર અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Guardian News | The Sun
હવે એ પણ જાણવું જરૂરી હતું કે, તાજેતરમાં અમેરિકામાં કોઈ ‘ફાયર ટોર્નેડો’ સર્જાયું છે કે કેમ?
અમારી તપાસમાં અમને જાણવા મળ્યું હતું કે, તાજેતરમાં અમેરિકાના કેલિફોર્નિયા ખાતે ફાયર ટોર્નેડો સર્જાયું હતું. જેના સમાચાર ઘણા બધા મીડિયા હાઉસ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. અમેરિકાના કેલિફોર્નિયા ખાતે તાજેતરમાં સર્જાયેલા ફાયર ટોર્નેડોનો વીડિયો તમે અહીં જોઈ શકો છો. The Sun | ABC7
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો ‘ફાયર ટોર્નેડો’નો ફોટો અમેરિકાનો નહીં પરંતુ ઈંગ્લેન્ડના સ્વોડલિનકોટ ખાતે વર્ષ 2018 માં સર્જાયેલા આગના ભયંકર વાવાઝોડાનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો ‘ફાયર ટોર્નેડો’નો ફોટો અમેરિકાનો નહીં પરંતુ ઈંગ્લેન્ડના સ્વોડલિનકોટ ખાતે વર્ષ 2018 માં સર્જાયેલા આગના ભયંકર વાવાઝોડાનો છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:ઈંગ્લેન્ડ ખાતે વર્ષ 2018 માં સર્જાયેલા ‘ફાયર ટોર્નેડો’નો ફોટો અમેરિકાના નામે વાયરલ… જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
