
તાજેતરમાં સોશિયલ મીડિયા પર પેટ્રોલપંપની રશીદનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પેટ્રોલપંપની રશીદમાં સૌથી નીચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વોટ ન આપવાના લખાણ સાથે અપીલ કરવામાં આવી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં પેટ્રોલપંપની રશીદનો જે ફોટો મૂકવામાં આવ્યો છે તેને એડિટીંગ કરીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Nimesh Pandya નામના ફેસબુક યુઝર દ્વારા 23 જૂન, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા પેટ્રોલપંપની રશીદના ફોટોના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વોટ ન આપવાના લખાણ સાથે અપીલ કરવામાં આવી.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા પેટ્રોલપંપની રશીદના ફોટોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, લખાણમાં શબ્દો અને અંકોના અક્ષરો અને તેની ગોઠવણીમાં કેટલીક ભૂલો હતી. નીચે તમે એ ભૂલોને જોઈ શકો છો.
વધુમાં અમને આ રશીદ પર એવું લખાણ જોવા મળ્યું હતું કે, સાંઈ બાલાજી પેટ્રોલિયમ HPL ડીલર, વિક્રોલી (વેસ્ટ) મુંબઈ. ત્યાર બાદ અમે ગુગલ પર સર્ચ કરતાં અમને આ નામનો કોઈ જ પેટ્રોલપંપ વિક્રોલી વેસ્ટ મુંબઈમાં હોવાની માહિતી મળી નહતી. પરિણામો પરથી અમને એ પણ જાણવા મળ્યું હતું કે, મુંબઈમાં આ નામનો કોઈ જ પેટ્રોલપંપ નથી.
આ રશીદ પર HPL લખેલું છે તો તેની શોધખોળ કરતાં અમને એ જાણવા મળ્યું હતું કે, ભારતમાં HPL નામની કોઈ જ કંપની પેટ્રોલ સપ્લાય કરતી નથી. ભારતમાં હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ નામની કંપની છે જેનું ટૂંકુ નામ HPCL છે અને તે પેટ્રોલિયમ પેદાશો તેમજ પેટ્રોલ અને ડિઝલનું વેચાણ કરે છે.
આ ઉપરાંત અમને એ જાણવા મળ્યું હતું કે, બિલ પર લખવામાં આવેલી તારીખ 4 ઓક્ટેમ્બર, 2018 છે. જો આ બિલ સાચું પણ હોત તો એ તાજેતરનું તો નથી જ. વધુમાં અમને એ જાણવા મળ્યું હતું કે, વર્ષ 2018 માં મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાના ગઠબંધનની સરકાર હતી તો એ બાબત સાંભળવામાં થોડીક અજીબ લાગે છે કે, ભાજપની તત્કાલિન મહારાષ્ટ્ર સરકાર મોદી પર નિશાન સાધી રહી છે.
અમારી આગળની તપાસમાં અમે સાંઈ બાલાજી પેટ્રોલના કીવર્ડ સંબંધિત આર્કાઈવ શોધવાની કોશિશ કરતાં અમને આર્કાઈવ.આઈએસ પર એક લિંક મળી જ્યાં વાયરલ થઈ રહેલા ફોટોના જેવો જ એક ફોટો પ્રાપ્ત થયો હતો. અમને આ બિલનો ફોટો એક વેબસાઈટ ગોલ્ડમાઈન ઈલેક્ટ્રોસિસ્ટમ્સ પ્રાઈવેટ લિમિટેડ પર મળ્યો. જે હેન્ડહેલ્ડ બિલીંગ મશીનોના નિર્માતા અને વિક્રેતા છે. પેટ્રોલપંપ, ટોલપ્લાઝા તેમજ પાર્કિંગ સ્થળો પર નિયમિત રુપે જોઈ શકાતા આ મશીન ચુકવણી કર્યા બાદ રશીદ આપે છે.
વેબસાઇટ પર ‘પેટ્રોલ પમ્પ બિલિંગ સિસ્ટમ’ વિભાગ હેઠળ નમૂના બીલ અપલોડ કરવામાં આવે છે. આ બિલ અને બનાવટી ફોટોમાં મુંબઈના વિક્રોલી (પશ્ચિમ) સ્થિત પેટ્રોલ પમ્પ ‘સાંઈ બાલાજી પેટ્રોલિયમ’ ના નામ અને સ્થાન સહિતની ઘણી સમાનતાઓ છે. બનાવટી અને સેમ્પલ બિલ બંનેમાં વાહન નંબર (MH04BZ9680) અને ગ્રાહકનું નામ (વૈભવ) એકસમાન જોવા મળે છે.
બનાવટી બિલમાં તારીખ 20 ઓગષ્ટ, 2012 ને બદલીને 4 ઓક્ટોમ્બર, 2018 કરવામાં આવી છે. આ બિલમાં પેટ્રોલનો પ્રતિ લીટરનો ભાવ 74.50 રુપિયામાંથી બદલીને 87.88 રુપિયા કરવામાં આવ્યો છે. બનાવટી બિલમાં એક જગ્યા પરના અક્ષર, ગોઠવણી અને અક્ષરોની સ્ટાઈલમાં પરિવર્તન જોવા મળીરહ્યું છે. આ બનાવટી બિલમાં શબ્દો, અંકો તેમજ અક્ષરોમાં સુધારો કરવામાં આવ્યો છે.
તારીખ 04.10.2018 નો ઉલ્લેખ કરનારા અક્ષરોનો આકાર 10:17 સમયથી નાનો છે. અને બિલની સંખ્યા 1345 ના છેલ્લા અંક પ્રથમ અંકોથી મોટા છે.
નીચે તમે સોશિયલ મીડિયા પર વાયરલ બિલ અને સેમ્પલ બિલ વચ્ચેની સમાનતાઓ જોઈ શકો છો. જેવી કે, પેટ્રોલપંપનું નામ, સરનામું, ગાડીનો નંબર તેમજ ગ્રાહકનું નામ.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પેટ્રોલપંપની રશીદનો જે ફોટો મૂકવામાં આવ્યો છે તેને એડિટીંગ કરીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વોટ ન આપવાના લખાણ સાથેની પેટ્રોલપંપની રશીદ થઈ વાયરલ….
Fact Check By: Vikas VyasResult: False
