
તાજેતરમાં સોશિયલ મીડિયા પર તિરંગાના રંગના બનાવવામાં આવેલા એક ઝરણાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ઝરણાને પણ તિરંગાનો રંગ કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2020 નો છે. જેમાં રાજસ્થાનના જોધપુરમાં બૈરીગંગા ખાતે 15 મી ઓગષ્ટના દિવસે કેટલાક ઉત્સાહી યુવકોએ વહેતા ઝરણાને તિરંગાના રંગથી સજાવ્યું હતું તેનો આ વીડિયો છે. જેથી એ સ્પષ્ટ કહી શકાય કે, આ વીડિયોને સરકારના ‘હર ઘર તિરંગા’ અભિયાન સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
अम्रूतलाल हिंदूस्तानी हिंदूस्तानी નામના ફેસબુક યુઝર દ્વારા 07 ઓગષ્ટ, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ઝરણે ઝરણાં માં તિરંગા લહેરાયો ને દરેક ઘરે લહેરાવીએ આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ 13 થી 15 ઓગસ્ટ દરમ્યાન ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવી #HarGharTirangaAabhiyan. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ઝરણાને પણ તિરંગાનો રંગ કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના સહારે સર્ચ કરતાં અમને bhaskar.com દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર વર્ષ 2020 માં પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, સ્વતંત્રતા દિવસે કેટલાક ઉત્સાહી યુવકો દ્વારા જોધપુરના બૈરીગંગા ખાતે પહાડમાંથી નીકળી રહેલા ઝરણાને તિરંગાના રંગે રંગવામાં આવ્યું તેનો આ અદભૂત નજારો છે.

અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. newstrend.news | newslight.in
આજ માહિતી સાથેનો વીડિયો Mohit_tours_and_travels નામના ફેસબુક પેજ દ્વારા પણ 16 ઓગષ્ટ, 2020 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2020 નો છે. જેમાં રાજસ્થાનના જોધપુરમાં બૈરીગંગા ખાતે 15 મી ઓગષ્ટના દિવસે કેટલાક ઉત્સાહી યુવકોએ વહેતા ઝરણાને તિરંગાના રંગથી સજાવ્યું હતું તેનો આ વીડિયો છે. જેથી એ સ્પષ્ટ કહી શકાય કે, આ વીડિયોને સરકારના ‘હર ઘર તિરંગા’ અભિયાન સાથે કોઈ જ સંબંધ નથી.

Title:‘હર ઘર તિરંગા’ અભિયાનના નામે વાયરલ થઈ રહેલા તિરંગા રંગના ઝરણાના વીડિયોનું જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: Missing Context
