
ઈન્ટરનેટ પર એક વિડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે આર્મી યુનિફોર્મમાં સૈનિકોને લાકડીઓ વડે લોકોને મારતા જોઈ શકો છો. આ સાથે એવું કહેવામાં આવી રહ્યું છે કે, “રાજસ્થાનના અજમેરમાં કેટલાક મુસ્લિમ લોકો પાકિસ્તાન માટે જાસૂસી કરતા પકડાયા હતા અને સેનાએ તેમને લાકડીઓ વડે માર માર્યો હતો.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે કરવામાં આવેલો દાવો ખોટો છે. આ વિડિયો વર્ષ 2020માં લોકડાઉનના સમયનો છે. આ ઘટના રાજસ્થાનની નહીં પણ મધ્ય પ્રદેશના રતલામની છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Dinesh Prajapati Hindu નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 ફેબ્રુઆરી 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રાજસ્થાનના અજમેરમાં કેટલાક મુસ્લિમ લોકો પાકિસ્તાન માટે જાસૂસી કરતા પકડાયા હતા અને સેનાએ તેમને લાકડીઓ વડે માર માર્યો હતો.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
અમે યુટ્યુબ પર કીવર્ડ સાથે સર્ચ કરીને તપાસ શરૂ કરી હતી. દરમિયાન અમને વન ઈન્ડિયા હિન્દીની યુટ્યુબ ચેનલ પર બે વર્ષ પહેલા પ્રસારિત થયેલો આ જ વિડિયો મળ્યો હતો. તેની સાથે આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે, “દેશમાં કોરોના વાયરસના બીજા તરંગને કારણે લોકડાઉન ચાલી રહ્યુ હતુ. આ દરમિયાન તમામ મંદિરો બંધ કરી દેવામાં આવ્યા હતા.”
17 એપ્રિલ 2020ના રોજ, મધ્ય પ્રદેશના રતલામ શહેરમાં ઉનકાલા રોડ પર સ્થિત એક મસ્જિદમાં કેટલાક લોકો સામૂહિક નમાજ અદા કરી રહ્યા હતા. ત્યારે જ પોલીસને આ વાતની જાણ થઈ અને તેણે કેટલાક લોકોની ધરપકડ કરી હતી.
આ વિડિયોમાં દેખાડવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પોલીસ ઘટનાસ્થળે પહોંચતાની સાથે જ નમાજ પઢી રહેલા કેટલાક લોકો ભાગી ગયા અને બાકીના લોકોની પોલીસે ધરપકડ કરી લીધી. તમે વિડિયોમાં જોઈ શકો છો કે પોલીસ લોકોને લાકડીઓથી પીટી રહી છે અને તેમની કારમાં બેસાડી રહી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે પોલીસે તેમની સામે કેસ નોંધ્યો હતો અને છ લોકોને જેલમાં ધકેલી દીધા હતા.
એનડીટીવી ઈન્ડિયાના જણાવ્યા અનુસાર રતલામના સુદામા કોમ્પ્લેક્સની એક મસ્જિદમાં નમાજ પઢવામાં આવી રહી હતી. જેઓની ધરપકડ કરવામાં આવી હતી તેમની સામે આઈપીસીની કલમ 188, 269, 270 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે કરવામાં આવેલો દાવો ખોટો છે. આ વિડિયો વર્ષ 2020માં લોકડાઉનના સમયનો છે. આ ઘટના રાજસ્થાનની નહીં પણ મધ્ય પ્રદેશના રતલામની છે.

Title:શું ખરેખર સેનાએ અજમેરમાં પાકિસ્તાન માટે જાસૂસી કરતા લોકોને માર માર્યો…? જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: False
