
તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબ, હરિયાણા અને દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનને કારણે દિલ્હી ખાતે 80 કિલોમીટર લાંબુ ટ્રાફિક સર્જાયું હતુ તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો વર્ષ 2019 માં CAA ના વિરોધમાં દિલ્હી ખાતે સર્જાયેલા ટ્રાફિકનો છે. જેને હાલમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલન સાથે કોઈ સંબંધ નથી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Amit Mecwan નામના ફેસબુક યુઝર દ્વારા 3 ડિસેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, પંજાબ.હરિયાણા ના ખેડૂતો ની તાકાત દિલ્હીમાં 80 કિ.મી. લાંબી જામ …. આ દિલ્હી શહેરનું ચિત્ર છે,. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનને કારણે દિલ્હી ખાતે 80 કિલોમીટર લાંબુ ટ્રાફિક સર્જાયું હતુ તેનો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને ધ લલ્લનટોપ દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો 19 ડિસેમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચારમાં પ્રાપ્ત થયો હતો. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, CAA ના વિરોધમાં દિલ્હી-ગુરુગ્રામ હાઈવે પર સર્જાયેલા ટ્રાફિકને કારણે 19 ફ્લાઈટ રદ કરવામાં આવી.
Archive
આજ માહિતી અને ફોટો સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. news18.com | navbharattimes.indiatimes.com
અમારી વધુ તપાસમાં અમને ટાઇમ્સ નાઉ દ્વારા તેના સત્તાવાર ફેસબુક પેજ પર 19 ડિસેમ્બર, 2019 ના રોજ અપલોડ કરવામાં આવેલા સમાચારનો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં વાયરલ થઈ રહેલો આજ ફોટો પ્રસારિત કરવામાં આવ્યો છે. આ વીડિયોના શીર્ષકમાં એવું લખેલું છે કે, “સીએએ વિરુદ્ધ આંદોલન: દિલ્હી એનસીઆરમાં ટ્રાફિક જામ. દિલ્હી પોલીસ દ્વારા લગાવવામાં આવેલા બેરિકેડને કારણે ગુરુગ્રામ બોર્ડર પર ભારે ટ્રાફિક જામ.”
નીચેના વીડિયોમાં તમે 0.40 મિનિટથી 2.48 મિનિટ સુધી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો ફોટો જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો વર્ષ 2019 માં CAA ના વિરોધમાં દિલ્હી ખાતે સર્જાયેલા ટ્રાફિકનો છે. જેને હાલમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલન સાથે કોઈ સંબંધ નથી.

Title:CAA ના વિરોધમાં દિલ્હીમાં સર્જાયેલા ટ્રાફિકનો જૂનો ફોટો હાલમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના નામે વાયરલ…
Fact Check By: Vikas VyasResult: False
