પાટીદારો અને બક્ષીપંચ સમાજ વિશે બોલી રહેલા કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરનો એડિટ કરેલો વીડિયો વાયરલ… જાણો શું છે સત્ય…

Missing Context રાજકીય I Political

તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણી યોજાઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર એવું કહી રહ્યા છે કે, પાટીદારોને તો સીધા કરીને મત લઈશ અને આ બક્ષીપંચ, દલિત અને આદિવાસીને ચપટી ચવાણું અને એક કોથળીમાં પટાવી દઈશ. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2017 નો એડિટ કરેલો વીડિયો છે. ઓરિજીનલ વીડિયોમાં કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર ભાજપના નેતા જીતુ વાઘાણી પર પ્રહાર કરતાં બોલી રહ્યા છે કે, જીતુ વાઘાણીનો વંશ એવું બોલે છે કે, પાટીદારોને તો સીધા કરીને મત લઈશ અને આ બક્ષીપંચ, દલિત અને આદિવાસીને ચપટી ચવાણું અને એક કોથળીમાં પટાવી દઈશ. આ વીડિયોને તાજેતરની ગુજરાતની ચૂંટણી સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યા છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Vijapur Times નામના ફેસબુક યુઝર દ્વારા 3 ડિસેમ્બર, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, વિજાપુર વિધાનસભા વિસ્તારના રાષ્ટ્રપ્રેમી જાગૃત મતદારો જોગ સંદેશ.. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પાટીદારોને સીધા કરીને મત લઈશ તથા બક્ષીપંચ, દલીત અને આદીવાસી સમાજને એક કોથળી દારૂ અને ચપટી ચવાણું માં પટાવી દઈશ એવું જાહેર સભામાં બોલી રહ્યા છે. આને સાચા અર્થમાં સબક શીખવાડવા આગામી 5 ડિસેમ્બરે સમગ્ર વિજાપુર વિધાનસભા વિસ્તારમાં ભાજપના ઉમેદવારની તરફેણમાં જંગી મતદાન કરાવીએ અને ભારતીય જનતા પાર્ટીને ભવ્ય વિજય અપાવીએ. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર એવું કહી રહ્યા છે કે, પાટીદારોને તો સીધા કરીને મત લઈશ અને આ બક્ષીપંચ, દલિત અને આદિવાસીને ચપટી ચવાણું અને એક કોથળીમાં પટાવી દઈશ.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ અમે આ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરના યુટ્યુબ પર 3 નવેમ્બર, 2017 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ વીડિયો સાથે આપવામાં આવેલી માહિતી પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, કોંગ્રેસના નેતા અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા દિયોદર વિધાનસભા ખાતે સ્નેહમિલન સંમેલન સમયનો આ વીડિયો છે. આ વીડિયોમાં તમે 5.32 મિનિટ પછી જોઈ શકો છો કે, કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર ભાજપના નેતા જીતુ વાઘાણી પર પ્રહાર કરતાં બોલી રહ્યા છે કે, જીતુ વાઘાણીનો વંશ એવું બોલે છે કે, પાટીદારોને તો સીધા કરીને મત લઈશ અને આ બક્ષીપંચ, દલિત અને આદિવાસીને ચપટી ચવાણું અને એક કોથળીમાં પટાવી દઈશ.

નીચે તમે કોંગ્રેસના નેતા અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના ભાષણના વાયરલ અને ઓરિજીનલ વીડિયો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એમાં રાહુલ ગાંધીએ જાતે જ ભાજપ સરકાર પર પ્રહાર કરતાં પોતાનું માઈક બંધ કર્યું હતું. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યા છે.

Avatar

Title:પાટીદારો અને બક્ષીપંચ સમાજ વિશે બોલી રહેલા કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરનો એડિટ કરેલો વીડિયો વાયરલ… જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: Missing Context