
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતીય મહિલા ગણિતજ્ઞ નીના ગુપ્તાના ફોટો સાથે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતની એકમાત્ર મહિલા ગણિતજ્ઞ નીના ગુપ્તાને તાજેતરમાં રામાનુજન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ નીના ગુપ્તાને 22 ફેબ્રુઆરી 2022 ના રોજ રામાનુજન પુરસ્કાર પ્રાપ્ત થયો હતો તેમજ નીના ગુપ્તાના પહેલા આ એવોર્ડ વર્ષ 2006 માં સૌપ્રથમ સુજાતા રામદોરાઈએ મેળવ્યો હતો. લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી વાયરલ કરવામાં આવી રહી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Rajendra Prajapati નામના ફેસબુક યુઝર દ્વારા 24 ડિસેમ્બર, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં એવું લખવામાં આવ્યું છે કે, નીના ગુપ્તા ગણિતશાસ્ત્રી જો તમને શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણના સમાચારો જાણીને થોડો ફ્રી સમય મળે તો આપણે ભારતીયોઓએ આમને પણ ઓળખવા જોઈએ! જેમને રામાનુજન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે, તે આ એવોર્ડ જીતનાર એકમાત્ર ભારતીય મહિલા છે. ભારતની આ દીકરીએ ગણિતમાં ભારતના પરાક્રમની વિશ્વને ખાતરી આપી છે. મીડિયાવાળાઓને અર્ધ નગ્ન બ્યુટીમાંથી થોડો સમય મળે તો આ રામાનુજન એવોર્ડથી સન્માનિત ભારતીય ગણિતશાસ્ત્રી નીના ગુપ્તાની સિદ્ધિ તરફ પણ ધ્યાન આપવાની જરુર છે , પણ કમનસીબે આ દેશમાં અર્ધ નગ્ન, નશાખોરો અને દેશદ્રોહીઓને મીડિયા કવરેજ મળે છે, પરંતુ આવી નીના ગુપ્તા જેવી પ્રતિભાશાળી દીકરીઓ કે દેશનું નામ રોશન કરનારાઓને મીડિયા કવરેજ મળતું નથી. સારુ છે કે , આજે આપણી પાસે સોશિયલ મીડિયા છે, તેથી જ આ ગણિતશાસ્ત્રી પુત્રીને સન્માનથી વંછીંત તો નહીં જ રહેવા દઈએ. અભિનંદન # નીના_ગુપ્તા, ભારતને તમારા પર ગર્વ છે. જય હિન્દ જય ભારત આ લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતની એકમાત્ર મહિલા ગણિતજ્ઞ નીના ગુપ્તાને તાજેતરમાં રામાનુજન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતીમાં મુખ્યત્વે બે દાવા જોવા મળે છે.
- દાવા નંબર 1 – નીના ગુપ્તાને તાજેતરમાં રામાનુજન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
- દાવા નંબર 2 – નીના ગુપ્તા રામાનુજન એવોર્ડ જીતનારી એકમાત્ર ભારતીય મહિલા છે.
સૌપ્રથમ અમે પોસ્ટમાં કરવામાં આવેલા પ્રથમ દાવા અંગેની માહિતી મેળવવા માટે સર્ચ કરતાં અમને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગની સત્તાવાર વેબસાઈટ પરથી એ જાણવા મળ્યું હતું કે, યુવા ગણિતશાસ્ત્રીઓ માટેનો રામાનુજન પુરસ્કાર ગણિતશાસ્ત્રી પ્રોફેસર નીના ગુપ્તાને 22 ફેબ્રુઆરી, 2022ના રોજ કલકત્તામાં ભારતીય આંકડાકીય સંસ્થામાં એક વર્ચ્યુઅલ સમારોહમાં આપવામાં આવ્યો હતો. તેમને સંલગ્ન બીજગણિત ભૂમિતિ અને પરિવર્તનીય બીજગણિતમાં તેમના કાર્ય માટે વર્ષ 2021 માટે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

એબીપી અસ્મિતા દ્વારા પણ આજ માહિતી સાથેના સમાચાર 23 ડિસેમ્બર, 2021 ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યા હતા.
ત્યાર બાદ એ પણ જાણવું જરુરી હતું કે, નીના ગુપ્તા રામાનુજન એવોર્ડ મેળવનારી એકમાત્ર ભારતીય મહિલા છે કે કેમ?
જેના માટે પણ અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને ICTP ની સત્તાવાર વેબસાઈટ પરથી જાણવા મળ્યું હતું કે, સૌપ્રથમ રામાનુજન એવોર્ડ વર્ષ 2006 માં સુજાતા રામદોરઇને પ્રાપ્ત થયો હતો. જ્યારે નીના ગુપ્તાને આ એવોર્ડ વર્ષ 2021 માં પ્રાપ્ત થયો છે.
ન્યૂઝ 18 ગુજરાતીના એક અહેવાલ પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, પ્રોફેસર નીના ગુપ્તા (Neena Gupta)ને ગણિતના ક્ષેત્રમાં યોગદાન આપવા બદલ પ્રતિષ્ઠિત પુરસ્કારોમાંથી એક DST-ICTP-IMU રામાનુજન પ્રાઈઝ ફોર યંગ મેથેમેટિશિયન (Ramanujan Prize for Young Mathematicians)થી સન્માનિત કરવામાં આવ્યા છે. નીના ગુપ્તા વિશ્વની ત્રીજી અને ભારતની બીજી મહિલા છે જેને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. તો ભારતમાંથી આ એવોર્ડ મેળવનારી એ ચોથી ગણિતશાસ્ત્રી છે.
હવે એ પણ જાણવું જરુરી હતું કે, રામાનુજન એવોર્ડ શું છે?
યુવા ગણિતશાસ્ત્રીઓ માટેનો રામાનુજન પુરસ્કાર દર વર્ષે વિકાસશીલ દેશોમાં 45 વર્ષથી ઓછી ઉંમરના યુવાન ગણિતશાસ્ત્રીઓને આપવામાં આવે છે. આ પુરસ્કાર શ્રીનિવાસ રામાનુજનની યાદમાં આપવામાં આવે છે અને આ પુરસ્કારને ઇન્ટરનેશનલ સેન્ટર ફોર થિયોરેટિકલ ફિઝિક્સ રામાનુજન એવોર્ડ પણ કહેવામાં આવે છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ નીના ગુપ્તાને 22 ફેબ્રુઆરી 2022 ના રોજ રામાનુજન પુરસ્કાર પ્રાપ્ત થયો હતો તેમજ નીના ગુપ્તાના પહેલા આ એવોર્ડ વર્ષ 2006 માં સૌપ્રથમ સુજાતા રામદોરાઈએ મેળવ્યો હતો.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:ભારતીય ગણિતજ્ઞ નીના ગુપ્તાના નામે ભ્રામક માહિતી વાયરલ… જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: Misleading
