
તાજેતરમાં સોશિયલ મીડિયા પર વોટ્સએપ અને ફેસબુક દ્વારા નવા સંચાર નિયમો લાગુ કરવામાં આવ્યા હોવાની માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વોટ્સએપ અને ફેસબુક દ્વારા નવા સંચાર નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જેમાં સરકાર તમારા પર ચાંપતી નજર રાખશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે. કારણ કે, સરકાર દ્વારા જ એ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, પોસ્ટમાં જણાવ્યા અનુસાર આ પ્રકારના કોઈ જ સંચાર નિયમો હાલમાં વોટ્સએપ કે ફેસબુક દ્વારા લાગુ કરવામાં આવ્યા નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
જાગૃત ગુજરાત નામના ફેસબુક પેજ દ્વારા 28 મે, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં એવું લખવામાં આવ્યું છે કે,
*આવતીકાલથી વોટસઅપ અને ફેસબુક calls માટેના નવા સંચાર નિયમો લાગુ કરવામાં આવશે*
01. બધા કોલ રેકોર્ડ કરવામાં આવશે.
02. બધા કોલ રેકોર્ડિંગ્સ સાચવવામાં આવશે.
03. વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર અને તમામ સોશિયલ મીડિયા પર નજર રાખવામાં આવશે.
04. જે જાણતો નથી તે દરેકને જણાવો.
05. તમારા ઉપકરણો મંત્રાલય સિસ્ટમથી કનેક્ટ થશે.
06. કોઈને ખોટો સંદેશ ન મોકલવાની કાળજી લેવી.
07. તમારા બાળકો, ભાઈઓ, સંબંધીઓ, મિત્રો, પરિચિતોને જણાવો કે તમારે તેમની સંભાળ લેવી જોઈએ અને ભાગ્યે જ સામાજિક સાઇટ્સ ચલાવવી જોઈએ.
08. રાજકારણ અથવા વર્તમાન પરિસ્થિતિ અંગે તમારી પાસે સરકાર અથવા વડા પ્રધાનની સામેની કોઈપણ પોસ્ટ અથવા વિડિઓ વગેરે મોકલો નહીં.
09. હાલમાં કોઈ પણ રાજકીય કે ધાર્મિક મુદ્દે સંદેશ લખવો કે મોકલવો એ ગુનો છે.આમ કરવાથી વોરંટ વિના ધરપકડ થઈ શકે છે.
10. પોલીસ જાહેરનામું બહાર પાડશે .ત્યારબાદ સાયબર ક્રાઇમ, ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે તે ખૂબ ગંભીર છે.
11. કૃપા કરીને તમે બધા, ગ્રુપ સભ્યો, સંચાલકો કૃપા કરીને આ મુદ્દાને ધ્યાનમાં લો.
12. ખોટો સંદેશ ન મોકલવાની કાળજી રાખો અને દરેકને જણાવો અને વિષયની સંભાળ રાખો.
13. કૃપા કરીને આ શેર કરો.
ગ્રુપ વધુ જાગૃત અને જાગ્રત હોવા જોઈએ
*ગ્રુપના સભ્યોને વોટ્સએપ વિશેની અગત્યની માહિતી …*
* * વોટ્સએપ પર માહિતી *
* 1. = સંદેશ મોકલ્યો *
* 2. = સંદેશ પહોંચ્યો *
* 3. બે વાદળી = સંદેશ * * વાંચો *
* 4. ત્રણ વાદળી = * * સરકારે સંદેશની નોંધ લીધી *
* 5. બે વાદળી અને એક લાલ Government = સરકાર તમારી વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે *
* 6. એક વાદળી અને બે લાલ = સરકાર તમારી માહિતી ચકાસી રહી છે *
* 7. ત્રણ લાલ = સરકારે તમારી વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દીધી છે અને તમને જલ્દીથી કોર્ટ સમન્સ મળશે. *
*જવાબદાર નાગરિક બનો.*
પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વોટ્સએપ અને ફેસબુક દ્વારા નવા સંચાર નિયમો લાગુ કરવામાં આવ્યા તેની આ માહિતી છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમને એ જાણવા મળ્યું હતું કે, પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતી ઘણા સમયથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમ કે, સરકાર સોશિયલ મીડિયા પર નજર રાખી રહી છે, તમામ કોલ રેકોર્ડ કરી રહી છે, રાજકીય પોસ્ટ પર પ્રતિબંધ લાગવવમાં આવ્યો છે વગેરે…
જ્યારે ત્રણ વર્ષ પહેલાં આ માહિતી વાયરલ થઈ હતી ત્યારે જ ‘બેંગ્લોર મિરર’ દ્વારા આ માહિતીને ખોટી ઠેરવવમાં આવી હતી.
વર્ષ 2018 માં પણ જ્યારે આ મેસેજ વાયરલ થયો હતો ત્યારે ‘દૈનિક ભાસ્કર’ દ્વારા તે સંદેશ ખોટો હોવાની માહિતી આપવામાં આવી હતી. વધુમાં સોશિયલ મીડિયા પર કોલ રેકોર્ડિંગ અને મોનિટરીંગ આઈટી મંત્રાલયના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે. મંત્રાલયની વેબસાઈટ પર પણ આ પ્રકારનો કોઈ આદેશ જારી કરવામાં આવ્યો હોવય એવી કોઈ જ માહિતી નથી.
આ મેસેજની જાણ જુદા-જુદા રાજ્યો અને પોલીસને પણ કરવામાં આવી હતી. આ મેસેજ લોકડાઉન દરમિયાન વાયરલ થયો હતો. આ વર્ષે કોવિડ-19 નામની મહામારીના સમયમાં પણ આ મેસેજ વાયરલ થતાં આસામ પોલીસ દ્વારા 3 એપ્રિલ, 2020 ના રોજ તે ખોટો હોવાનું એક ટ્વિટ પણ કરવમાં આવ્યું હતું.
Important #FakeNews alert. pic.twitter.com/BjG2CkJGbJ
— Assam Police (@assampolice) April 3, 2020
અમારી વધુ તપાસમાં સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલય એટલે કે PIB Fact Check દ્વારા પણ આ માહિતી ખોટી હોવાનું જનતાને જણાવવામાં આવ્યું હતું. તેના દ્વારા આ ટ્વિટ 24 માર્ચ, 2020 ના રોજ કરવામાં આવી હતી. જેને ફરી રિટ્વિટ કરવામાં આવી હતી.
ત્યાર બાદ અમે અમારી તપાસ આગળ વધારતાં મેસેજના નીચેના બીજા ભાગમાં આપવામાં આવેલી માહિતીની તપાસ હાથ ધરી હતી. આ માહિતીને પણ સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલય એટલે કે PIB Fact Check દ્વારા 7 એપ્રિલ, 2020 ના રોજ ટ્વિટ કરીને ખોટી ઠેરવવમાં આવી હતી. આ માહિતી પણ ઘણા સમયતી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
પોસ્ટમાં મૂકવામાં આવેલી ઉપરોક્ત માહિતીની સત્યતા અમે પહેલાં પણ ચકાસી ચૂક્યા છીએ જે તમે અહીં જોઈ શકો છો. gujarati.factcrescendo.com
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, સરકાર દ્વારા જ એ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, પોસ્ટમાં જણાવ્યા અનુસાર આ પ્રકારના કોઈ જ સંચાર નિયમો હાલમાં વોટ્સએપ કે ફેસબુક દ્વારા લાગુ કરવામાં આવ્યા નથી.

Title:શું ખરેખર વોટ્સએપ અને ફેસબુક દ્વારા નવા સંચાર નિયમો લાગુ કરવામાં આવ્યા…?
Fact Check By: Vikas VyasResult: False
