
તાજેતરમાં સોશિયલ મીડિયા પર વિશ્વનેતાઓ સાથે બારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક પણ વિશ્વના નેતાએ ભાવ પણ ના પૂછ્યો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ માર્ચ 2023 માં યોજાયેલા G7 શિખર સંમેલનનો છે. આ વીડિયો અધૂરો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
જીગો ઝોમેટો વાળોનામના ફેસબુક યુઝર દ્વારા 21 મે, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, વિશ્વગુરુ નો કોઈ ભાવય નથ પૂછતું ભેરુઓ ખાલી હવા બનાવામાં આવી છે . પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક પણ વિશ્વના નેતાએ ભાવ પણ ના પૂછ્યો.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો Narendra Modi દ્વારા 20 મે, 2023 ના રોજ તેમના સત્તાવાર યુટ્યુબ પર મૂકવામાં આવ્યો હતો. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો જાપાનના હિરોશીમા ખાતે G7 શિખર સંમેલન યોજાયું હતું તે સમયનો છે. આ સંપૂર્ણ વીડિયોને ધ્યાનથી જોતાં 0.13 મિનિટ પર તમે ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઊભા રહીને રાહ જોતા જોઈ શકો છો. ત્યાર બાદ તે બંને વાત કરતા કરતા આગળ વધે છે. આ વીડિયોના અંતમાં 2.37 મિનિટે જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે હાથ મિલાવે છે અને ત્યાર બાદ તેમની સાથે વાત કરતા કરતા આગળ વધે છે.
ઉપરોક્ત વીડિયોમાં તમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વાયરલ વીડિયોને 2.28 મિનિટથી 2.36 મિનિટે જોઈ શકો છો. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અન્ય દેશોના નેતાઓ સાથે ફોટો પડાવ્યા બાદ આમતેમ જોઈ રહ્યા છે એ ભાગને જ સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
વધુમાં તમે જોઈ શકો છો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમના સત્તાવાર ટ્વિટર પર પણ G7 સમિટમાં તે વિશ્વના જુદા-જુદા દેશના નેતાઓને મળ્યા તેના ફોટા મૂકવામાં આવ્યા હતા. જેમાં તમે ચીન, કોરિયા, વિયેતનામ, જર્મની, ઈન્ડોનેશિયા, યુરોપ, યુક્રેન, ફ્રાન્સ, બ્રાઝિલ તેમજ યુકેના નેતાઓ સાથેના ફોટા જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં અમને G7 સમિટની સત્તાવાર વેબસાઈટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અન્ય દેશના નેતાઓ સાથેના ફોટા પણ જોવા મળ્યા હતા.
અમારી વધુ તપાસમાં અમને ANI News દ્વારા 20 મે, 2023 ના રોજ અપલોડ કરવામાં આવેલો G7 સંમેલનનો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં પણ તમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઉપરોક્ત તમામ દેશોના પ્રમુખો અને અન્ય નેતાઓ સાથે હાથ મિલાવતા તેમજ ચર્ચા-વિચારણા કરતા જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ માર્ચ 2023 માં યોજાયેલા G7 શિખર સંમેલનનો છે. આ વીડિયો અધૂરો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. (જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાણો વિશ્વનેતાઓ સાથેના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…
Written By: Vikas VyasResult: Missing Context
