
તાજેતરમાં સમગ્ર દેશમાં ભારે વરસાદને પગલે જનજીવન ખોરવાઈ ગયું છે. ત્યારે સોશિયલ મીડિયા પર પાણીમાંથી મગરને પકડી રહેલા યુવકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાણીમાં રહેલા મગરને પકડી રહેલા યુવકનો આ વીડિયો દિલ્હીનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં પાણીમાં રહેલા મગરને પકડી રહેલા યુવકનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2019 માં ગુજરાતના વડોદરા ખાતે બનેલી ઘટનાનો છે. આ વીડિયોને દિલ્હીની હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Phir Ek Baar Modi Sarkar – Gujarat નામના ફેસબુક પેજ દ્વારા 17 જુલાઈ, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, દિલ્હીમાં હવે ઘર આગળ મગર. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાણીમાં રહેલા મગરને પકડી રહેલા યુવકનો આ વીડિયો દિલ્હીનો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર DeshGujaratHD દ્વારા 31 ઓગષ્ટ, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, વડોદરા ખાતે ભારે વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ સર્જાતાં અગ્નિવીર પ્રાણીન ફાઉન્ડેશન દ્વારા એક મગરનું વરસાદના પાણીમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તેનો આ વીડિયો છે.
આજ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. NDTV | The Times of India
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પાણીમાં રહેલા મગરને પકડી રહેલા યુવકનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2019 માં ગુજરાતના વડોદરા ખાતે બનેલી ઘટનાનો છે. આ વીડિયોને દિલ્હીની હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:જાણો રસ્તા પર પાણીમાં મગર પકડી રહેલા લોકોના વાયરલ વીડિયોનું શું છે સત્ય….
Written By: Vikas VyasResult: False
