આ વીડિયો ગુજરાતનો નહીં પરંતુ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના ચુંચડાના ખાદીનામોડ ગામનો આ બનાવ છે. જ્યાં ટીએમસી અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.

તાજેતરમાં જ લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે એક ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરી રહેલા કેટલાક લોકોના વિરોધનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વીડિયો દ્વારકા ખાતે ભાજપના લોકોના પ્રચારનો વિરોધ કરવામાં આવ્યો તેનો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 07 એપ્રિલ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વીડિયો દ્વારકા ખાતે ભાજપના લોકોના પ્રચારનો વિરોધ કરવામાં આવ્યો તેનો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, આ વીડિયોમાં લોકો ગુજરાતી નહીં પરંતુ હિન્દી ભાષા બોલી રહ્યા છે તેમજ આજુબાજુ દેખાઈ રહેલા હોર્ડિંગ પર પણ હિન્દી લખાણ તમે જોઈ શકો છો.
ત્યાર બાદ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને આ વીડિયોનો એખ સ્ક્રિનશોટ લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર ન્યૂઝ 18 ઈન્ડિયાના સત્તાવાર ટ્વિટર પર 6 ઓગષ્ટ, 2022 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, પશ્ચિમ બંગાળના હુગલી ખાતે ભાજપ અને ટીએમસીના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું તેનો આ વીડિયો છે.
અમારી વધુ તપાસમાં અમને અમને ટીવી9 ભારતવર્ષ દ્વારા 5 ઓગષ્ટ, 2022ના રોજ પ્રકાશિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, “પશ્ચિમ બંગાળના ચૂચુડામાં ખાદીનામોડ ખાતે ભાજપની રેલી દરમિયાન તણાવ સર્જાયો હતો. ત્યારે તૃણમૂલના ધારાસભ્ય અસિત મજમુદારના કાર્યકરો અને ભાજપના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી.”

એબીપી બંગાળી દ્વારા પ્રકાશિત એક અહેવાલમાં આ બનાવને લઈ ભાજપા અને ટીએમસીના ધારાસભ્યનો પક્ષ આપણે સાંભળી શકીએ છીએ. જેમાં આરોપ-પ્રતિઆરોપ આપતા માહિતી આપવામાં આવી હતી કે, “ભાજપે ટીએમસી ધારાસભ્ય અસિત મજુમદાર અને તેમના સમર્થકો પર પાર્ટીના કાર્યકર્તાઓને કોઈપણ ઉશ્કેરણી વિના માર મારવાનો આરોપ લગાવ્યો હતો. આરોપોને નકારી કાઢતા, મજુમદારે દાવો કર્યો હતો કે તેમણે અને અન્ય પક્ષના કાર્યકરોએ ભાજપના કાર્યકરોનો સામનો કર્યો હતો જેઓ ટીએમસી પર ખોટા આક્ષેપો કરી રહ્યા હતા.”
અન્ય કેટલાક મીડિયા માધ્યમો દ્વારા પણ આ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે અહીં જોઈ શકો છો. etvbharat.com | timesofindia.indiatimes.com
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ દ્વારકાનો નહીં પરંતુ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના ચુંચડાના ખાદીનામોડ ગામનો આ બનાવ છે. જ્યાં ટીએમસી અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:પશ્ચિમ બંગાળના હુગલીના વીડિયોને દ્વારકાના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
