શું ખરેખર “ઔકાત”નું કહી બે મજૂરોને રાજધાની એક્સ્પ્રેસ માંથી જબરદસ્તી ઉતારી દેવામાં આવ્યા હતા…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

હાલ સોશિયલ મિડિયામાં એક સમાચાર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. જે સમાચાર અનુસાર ઝારખંડના કોડરમા સ્ટેશન પર બે મજૂરોને દિલ્હી થી ભૂવનેશ્વર જતી રાજધાની એક્સપ્રેસના ટીટીઈ દ્વારા જબરદસ્તી અપશબ્દ કહેવામાં આવ્યા હતા. આ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કન્ફર્મ ટિકિટ હોવા છતા પણ ટીટીઈ દ્વારા મજૂરોને રાજધાની એક્સપ્રેસ ટ્રેન માંથી ઉતારી દેવામાં આવ્યા અને કહ્યુ તમારી ઔકાત નથી.” 

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા સમાચાર ખોટા છે. જેની પડતાલ ધનબાદના રેલવે પ્રાધિકરણ દ્વારા કરવામાં આવી અને તમામ આરોપ ખોટા સાબિત થયા છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Ravindra Barot નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 1 જાન્યુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કન્ફર્મ ટિકિટ હોવા છતા પણ ટીટીઈ દ્વારા મજૂરોને રાજધાની એક્સપ્રેસ ટ્રેન માંથી ઉતારી દેવામાં આવ્યા અને કહ્યુ તમારી ઔકાત નથી.”

FACEBOOK | FB POST ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યત તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને દૈનિક જાગરણ સમાચારનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે અનુસાર, “બે મજૂરો જેનુ નામ રામચંદ્ર યાદવ અને અજય યાદવ છે જેમણે ટીટીઈ પર આરોપ લગાવ્યો હતો કે, રાજધાનીમાં તેમને ચઢતા જબરદસ્તી રોકવામાં આવ્યા હતા. પરંતુ તે આરોપ નિરાધાર છે. આ બંને મજૂરોએ કોડરમા રેલવે સ્ટેશન પર ફરિયાદ દર્જ કરાવી હતી, ત્યારબાદ રેલવે પ્રાધિકારિયોંએ આ અંગેની તપાસ કરી અને સીસીટીવી ફૂટેજથી સ્પષ્ટ થઈ ગયુ હતુ કે, જ્યારે ટ્રેન સ્ટેશનથી જઈ રહી હતી ત્યાં સુધી મજૂરો સ્ટેશન પર પહોંચ્યા પણ ન હતા. તેમના પહોંચતા પહેલા જ ટ્રેન છૂટી ગઈ હતી.

DAINIK JAGRAN | ARCHIVE

ત્યારબાદ અમને ધનબાદ રેલવે મંડળના પીઆરઓ પી.કે.મિશ્રા અને વરીય મંડળ વાળિજ્ય પ્રબંધક અખિલેશ કુમાર પાંડેનો સંપર્ક કર્યો હતો. તેમણે વાઈરલ થઈ રહેલા સમાચારને ખોટા ગણાવતા કહ્યુ હતુ કે, “વાયરલ થઈ રહેલા સમાચાર તદ્દન ખોટા છે. અમે આ અંગેની તપાસ કરી હતી અને સીસીટીવી ફૂટેજ જોયા તો અમને જાણવા મળ્યુ હતુ કે, મજૂરો ટ્રેન સુધી પહોચ્યા જ ન હતા. અને તેમના મોળા પહોચવાને કારણે ટ્રેન છૂટી ગઈ હતી. જે સમાચાર પત્રોમાં આ લેખ વાયરલ થઈ રહ્યો છે તેમને બધાને તથ્ય પ્રામાળિક સ્પષ્ટીકરણ આપી દેવામાં આવ્યુ છે.” 

અમને અખિલેશ કુમાર પાંડે દ્વારા તે દિવસના સીસીટીવી ફૂટેજ અને આ મામલા સાથે જોડાયેલ સમાચાર એજન્સીને મોકલવામાં આવેલ સ્પષ્ટીકરણ મોકલવામાં આવ્યુ હતુ.

ત્યારબાદ અમે ગૂગલ પર વધૂ સર્ચ કરતા અમને ધનબાદના ડી.આર.એમ આશિષ બંસલનું એખ ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જેમાં લખવામાં આવ્યુ હતુ કે, “આપની ખબર તથ્યો પર આધારિત નથી. ભુવનેશ્વર રાજધાની એક્સપ્રેસ સવારે 5.22 છુટી ગઈ હતી. જ્યારે યાત્રીઓ 5.23 પર ઉપરના પુલ પર દોડતા જોવા મળી રહ્યા છે. મહેરબાની કરી સમાચારનું સંશોધન કરો.

ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા સમાચાર ખોટા છે. જેની પડતાલ ધનબાદના રેલવે પ્રાધિકરણ દ્વારા કરવામાં આવી અને તમામ આરોપ ખોટા સાબિત થયા છે.

Avatar

Title:શું ખરેખર “ઔકાત”નું કહી બે મજૂરોને રાજધાની એક્સ્પ્રેસ માંથી જબરદસ્તી ઉતારી દેવામાં આવ્યા હતા…?

Fact Check By: Yogesh Karia 

Result: False