
તાજેતરમાં સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીને પગે લાગી રહેલા એક વૃદ્ધનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસના વરિષ્ટ નેતા મોતીલાલ વોરા રાહુલ ગાંધીના પગે લાગી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં જે વૃદ્ધ વ્યક્તિ રાહુલ ગાંધીના પગે લાગી રહ્યા છે એ મોતીલાલ વોરા નહીં પણ છત્તીસગઢ સરકારના કેન્દ્રીય મંત્રી ટી.એસ.સિંહદેવ છે. આ ફોટોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
હિન્દુવાદી હાર્દિક પટેલ નામના ફેસબુક યુઝર દ્વારા 4 ઓગષ્ટ, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ૯૨-વર્ષના મોતીલાલ વોરા ૫૧-વર્ષના ગાંધીના પગમાં
આને ગુલામી નહીં કહો તો બીજૂ શું કહેશો?. જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસના વરિષ્ટ નેતા મોતીલાલ વોરા રાહુલ ગાંધીના પગે લાગી રહ્યા છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને Patrika સમાચાર પત્ર દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેના સમાચાર 19 ડિસેમ્બર, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ ફોટો સાથે એવું લખાવામાં આવ્યું છે કે, છત્તીસગઢના કેન્દ્રીય મંત્રી ટી.એસ.સિંહદેવ તેમના શપથગ્રહણ સમારોહ પહેલાં બુકેમાંથી નીચે પડેલા એક દોરાને લેવા માટે નીચે નમી રહ્યા છે.
અમારી વધુ તપાસમાં અમને એ જાણવા મળ્યું હતું કે, એ સમયે આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. આજ ફોટો સાથેનો વધુ એક વીડિયો અમને The Lallantop દ્વારા 20 ડિસેમ્બર, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક અહેવાલમાં પ્રાપ્ત થયો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, એ સ્પષ્ટ નથી કહી શકાતુ કે ટી.એસ.સિંહદેવ રાહુલ ગાંધીને પગે લાગી રહ્યા છે. પરંતુ વીડિયોમાં એ સ્પષ્ટ જોઈ શકાય છે કે, ટી.એસસિંહદેવ રાહુલ ગાંધીની આગળ નમી રહ્યા છે ત્યારે રાહુલ ગાંધી તરત જ તેમને રોકે છે અને તેમનો હાથ પકડે છે.
કોણ છે મોતીલાલ વોરા?
કોંગ્રેસના વરિષ્ઠ નેતા મોતીલાલ વોરા મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી છે. રાહુલ ગાંધીના રાજીનામા બાદ તેમનું નામ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ તરીકે સામે આવ્યું હતું. જોકે, તેમણે પોતે આ આરોપોને નકાર્યા છે. લોકસત્તાના જણાવ્યા અનુસાર વોરાએ આ વાતને નકારી કાઢી છે કે, તેમણે કોંગ્રેસની લગામ સંભાળી છે. વોરાએ સ્પષ્ટતા કરી હતી કે, આ અંગે તેમની પાસે કોઈ માહિતી નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં જે વૃદ્ધ વ્યક્તિ રાહુલ ગાંધીના પગે લાગી રહ્યા છે એ મોતીલાલ વોરા નહીં પણ છત્તીસગઢ સરકારના કેન્દ્રીય મંત્રી ટી.એસ.સિંહદેવ છે.

Title:શું ખરેખર કોંગ્રેસના વરિષ્ટ નેતા મોતીલાલ વોરા રાહુલ ગાંધીના પગે લાગી રહ્યા છે….?
Fact Check By: Vikas VyasResult: False
