
કોંગ્રેસ વીરપુર મહીસાગર નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “દિલ્હીમાં મુસ્લિમો વિરુદ્ધ ભડકાઉ ભાષણો આપીને તોફાનો કરાવનારા ભાજપનાં નીચ કપિલ મિશ્રા એ તેની બહેન નાં લગ્ન મુસ્લિમ સાથે કરાવ્યા. હિન્દુ ધર્મના નકલી ઠેકેદારો ગોબર ભક્તો” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 121 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 13 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કપિલ મિશ્રાના બહેન દ્વારા મુસ્લિમ યુવાન સાથે લગ્ન કરવામાં આવ્યા.”

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. જો દેશની રાજધાની દિલ્હીમાં કેન્દ્રની રૂલિંગ પાર્ટીના નેતાની બહેન દ્વારા આ પ્રકારે આંતરજાતિય લગ્ન કરવામાં આવ્યા હોય તો તેની નોંધ દેશના મિડિયાએ લીધી જ હોય. પરંતુ ગૂગલ પર આ અંગે સર્ચ કરતા અમને ખાસ કોઈ પરિણામો પ્રાપ્ત થયા ન હતા.
પરંતુ ફેસબુક પરની એક પોસ્ટ તરફ અમારૂ ધ્યાન ખેચાયુ હતુ. જેમાં કપિલ મિશ્રાની બહેનનો ફોટો પણ શેર કરવામાં આવ્યુ હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.

ઉપરોક્ત ફોટો ખરેખર કપિલ મિશ્રાની બહેનનો છે કે કેમ તે જાણવા અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માઘ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને Coastal digest.com વેબસાઈટનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ ફોટો શેર કરવામાં આવ્યો હતો અને માહિતી આપવામાં આવી હતી કે, કર્ણાટકના માંડ્યામાં રહેતા અશિતા બાબુ અને શકીલ અહમદના લગ્નનો આ ફોટો છે. આ બંનેનો લગ્ન એટલે ચર્ચામાં હતા કારણ કે, કેટલાક હિન્દુવાદી સંગઠનો દ્વારા આ લગ્નને “લવ જેહાદ” નુ નામ આપી વિરોધ કરવામાં આવ્યો હતો. અશિતા હિન્દુ છે અને શકીલ મુસ્લિમ બંને 12 વર્ષથી પ્રેમ સંબંધમાં હતા. શરૂઆતમાં બંનેના પરિવાર પણ આ લગ્ન માટે રાજી ન હતા. પરંતુ બાદમાં માની ગયા હતા.
અશિતા અને શકીલના લગ્ન મૈસુરમાં 17 એપ્રિલ 2016ના થયા હતા. લગ્નનો વિરોધ થવાનો હોવાથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હતો. સમાચાર અનુસાર લગ્નના થોડા સમય પહેલા અશિતાએ તેમનો ધર્મ બદલી ઈસ્લામ અપનાવી લિધો હતો. અને તેનું નામ શાઈસ્તા સુલ્તાન રાખવામાં આવ્યુ હતુ. ધ ઈન્ડિયન એક્સપ્રેસ અને એનડીટીવી દ્વારા પણ આ અંગે સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા.
તેમજ અમે અમારી પડતાલને વધૂ મજબૂત કરવા કપિલ મિશ્રાનો સિધો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “તેમની ત્રણ સગી બહેન છે. જેમાંથી બે બહેનના લગ્ન થઈ ગયા છે. પરિવારમાંથી તેમજ નજીકમાં કોઈ પણ બહેન દ્વારા મુસ્લિમ યુવાન સાથે લગ્ન નથી કરવામાં આવ્યા.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, કપિલ મિશ્રાની કોઈપણ બહેન દ્વારા મુસ્લિમ યુવાન સાથે લગ્ન નથી કરવામાં આવ્યા જેની પૃષ્ટી કપિલ મિશ્રા દ્વારા કરવામાં આવી છે.

Title:શું ખરેખર કપિલ મિશ્રાની બહેન દ્વારા મુસ્લિમ સાથે લગ્ન કરવામાં આવ્યા.? જાણો શું છે સત્ય.
Fact Check By: Yogesh KariaResult: False
