
ફેસબુક પર Suresh Patel નામના એક ફેસબુક યુઝર દ્વારા 8 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખ્યું હતું કે, પાસિયાઓ તમારા શેઠની ઓકત કેટલી છે એ કોંગ્રેસએ બતાવી દીધી. જ્યારે પોસ્ટની અંદર એવું લખાણ હતું કે, સ્ટાર પ્રચારકના લિસ્ટમાંથી હાર્દિક પટેલની બાદબાકી કરવામાં આવી. આ પોસ્ટને લગભગ 130 જેટલા લોકોએ લાઈક કરી હતી. 129 જેટલા લોકોએ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી તેમજ 59 જેટલા લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે આ પોસ્ટને લઈને અમારી પડતાલ/તપાસ હાથ ધરી.

સંશોધન
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ પોસ્ટની સત્યતા જાણવા માટે અમે સૌપ્રથમ એબીપી અસ્મિતા ન્યૂઝ ચેનલના સ્થાનિક કર્મચારી સાથે વાત કરતાં તેમણે એવું જણાવ્યું હતું કે, આ ફોટો ખોટો છે અને ફોટોને કોઈ ઠગબાજ દ્વારા ફોટોશોપના માધ્યમથી એડિટ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અમારી ચેનલમાં બ્રેકિંગ માટે આ પ્રકારના ફોન્ટનો ઉપયાગ ક્યારેય થતો નથી.
ઉપરની માહિતી મેળવ્યા બાદ પણ અમે અમારી તપાસ કાર્યવાહી આગળ વધારતાં અમને ગુજરાત કોંગ્રેસના સ્થાનિક હોદ્દેદારો પાસેથી લોકસભા ચૂંટણી 2019 માટે કોંગ્રેસના સ્ટાર પ્રચારકોનું લિસ્ટ પ્રાપ્ત થયું. જેમાં 36 નંબર પર સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, સ્ટાર પ્રચારકોની યાદીમાં હાર્દિક પટેલનું નામ સામેલ છે.

આટલું માહિતી સત્ય માટે પૂરતી ન હોવાથી અમે ગુજરાત કોંગ્રેસના વરિષ્ટ નેતા મનીષ દોશી સાથે વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, વાયરલ થઈ રહેલા આ સમાચાર તદ્દન ખોટા અને પાયાવિહોણા છે. હાર્દિક પટેલનું નામ અમારી સ્ટાર પ્રચારકોની યાદીમાં 36 નંબર પર છે જે આપ સ્પષ્ટપણે જોઈ શકો છો.

પરિણામ:
આમ, અમારી પડતાલમાં લોકસભા ચૂંટણી 2019 માટે કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદીમાંથી હાર્દિક પટેલના નામની બાદબાકીની વાત સંપૂર્ણપણે ખોટી સાબિત થાય છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:હાર્દિક પટેલની કોંગ્રેસના સ્ટાર પ્રચારકના લિસ્ટમાંથી બાદબાકી…! જાણો શું છે સત્ય…
Fact Check By: Dhiraj VyasResult: False
