
Banty Dhodia નામના ફેસબુક યુઝર દ્વારા 22 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, “મધ જેવું મીઠું પરિણામ જોઈતું હોય તો મધમાખી જેવો સંપ રાખવો જરૂરી છે” વતન જતા મજૂરોને સારું ખાવાપીવાનું મળતું નથી ને તેઓ રડતા રડતા હજાર બારસો કીમી ચાલતા જઇ રહયા છે, તો બીજી બાજુ ક્વોર્નટાઇલ થયેલ બે કહેવાતા ઊંચી જાતિના યુવકોએ દલિત મહિલાએ બનાવેલ જમણ ને લાત મારી ઢોળી નાખ્યું જ્યારે સદીઓથી કહેવામાં આવી રહ્યું છે કે અનાજને પગ ના અડવો જોઈએ પણ હકીકત તો એ છે કે અનાજને દલિતનો હાથ ના અડવો જોઈએ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ક્વોરન્ટાઈન થયેલા બે ઊંચી જાતિના યુવકો દ્વારા એક દલિત મહિલા દ્વારા બનાવવામાં આવેલા ભોજનનો અસ્વીકાર કરવામાં આવ્યો અને એ ભોજનને લાત મારીને ઢોળી નાંખવામાં આવ્યું. આ પોસ્ટને 4 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. એક વ્યક્તિ દ્વારા પોતાનો મત રજૂ કરવામાં આવ્યો હતો. તેમજ 6 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર ક્વોરન્ટાઈન થયેલા બે ઊંચી જાતિના યુવકો દ્વારા એક દલિત મહિલા દ્વારા બનાવવામાં આવેલા ભોજનનો અસ્વીકાર કરવામાં આવ્યો અને એ ભોજનને લાત મારીને ઢોળી નાંખવામાં આવ્યું છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને jagran.com દ્વારા 18 મે, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ ઘટના બિહારના મધુબની માધવપુર વિસ્તારમાં સહારઘાટ ક્વોરેન્ટાઇન સેન્ટરની છે. જ્યાં 25 સ્થળાંતર કામદારો રહે છે. સરકાર દ્વારા તેમના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. ભોજન બનાવવાવાળી મહિલાએ ભોજન તૈયાર કરીને ટેબલ પર મૂક્યું. પરંતુ કામદારોએ એવી માંગ કરી હતી કે, તેમને સાથે બેસવા અને જમવા દેવા જોઈએ. તો એ મહિલાએ તેમને સામાજિક અંતર રાખી જમવાનું કહેતાં રોષે ભરાયેલા કામદારોએ એ ભોજનને લાત મારી ઢોળી દીધું હતું અને ખાધું ન હતું.

અમારી વધુ તપાસમાં અમને First Bihar Jharkhand દ્વારા પણ 18 મે, 2020 ના રોજ આજ વીડિયો સાથેના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. તેમાં પણ ક્યાંય પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ દલિત મહિલા દ્વારા ભોજન તૈયાર કરવામાં આવ્યું હોવાથી કામદારોએ દ્વારા એનો અસ્વીકાર કરવામાં આવ્યો હોવાની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે સહારઘાટ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો. પોલીસ અધિકારી સુરેન્દ્ર પાસવાને જણાવ્યું હતું કે, મહિલા દલિત હતી અને તેના હાથે બનાવેલું ભોજન કામદારો દ્વારા નકારવામાં આવ્યું હોવાની માહિતી તદ્દન ખોટી છે. આ કામદારો સાથે જમવા માંગતા હતા. પરંતુ આ મહિલાએ આવું કરવાની ના પાડી કારણ કે, સામાજિક અંતરના નિયમોનું ઉલ્લંઘન થતું હતું. વધુમાં મહિલાએ તેમને નિયમોનું પાલન કરવા અને બેંચ પરથી ભોજન લઈ સામાજિક અંતર રાખી જમવાનું કહ્યું હતું. ત્યારબાદ ગુસ્સે થયેલા કામદારો દ્વારા આ ભોજનને લાત મારીને ઢોળી નાંખવામાં આવ્યો હતો. આ ઘટના બાદ કામદારો વિરુદ્ધ ગેરવર્તનનો કેસ નોંધવામાં આવ્યો છે.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ દલિત મહિલા દ્વારા ભોજન બનાવવામાં આવ્યું હોવાથી કામદારો દ્વારા તેનો અસ્વીકાર કરવામાં આવ્યો હોવાની માહિતી ખોટી છે. ભોજન બનાવનાર મહિલા દ્વારા કામદારોને સામાજિક અંતર રાખી નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવતાં ગુસ્સે ભરાયેલા કામદારો દ્વારા ભોજનનો અસ્વીકાર કરી તેને લાત મારી ઢોળી દેવામાં આવ્યો હતો. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ દલિત મહિલા દ્વારા ભોજન બનાવવામાં આવ્યું હોવાથી કામદારો દ્વારા તેનો અસ્વીકાર કરવામાં આવ્યો હોવાની માહિતી ખોટી છે. ભોજન બનાવનાર મહિલા દ્વારા કામદારોને સામાજિક અંતર રાખી નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવતાં ગુસ્સે ભરાયેલા કામદારો દ્વારા ભોજનનો અસ્વીકાર કરી તેને લાત મારી ઢોળી દેવામાં આવ્યો હતો.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર દલિત મહિલા દ્વારા બનાવવામાં આવેલા ભોજનને કામદારો દ્વારા નકારવામાં આવ્યું…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
