
News48 નામના એક ફેસબુક પેજ દ્વારા 11 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, ☺️?ફેસબુક ગ્રુપ માં શેર જરૂર કરજો અને ઉપર લાઈક બટન દેખાય ત્યાં ક્લિક કરી દેજો?. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 9 લોકોએ લાઈક કરી હતી, એક વ્યક્તિએ આ પોસ્ટ પર પોતાનો અભિપ્રાય આપ્યો હતો અને 386 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું ખૂબ જ જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી.
Face book | Archive
સંશોધન
જો ખરેખર પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ એટીએમ પીન ઉલટો નાખવાથી પોલીસને જાણ થતી હોત અને ગુના અટકતા જ હોત તો ક્યાંય ને ક્યાંક તો આવી ઘટના બની જ હોત અને મીડિયા દ્વારા તે પ્રસારિત પણ કરવામાં આવી હોત. પરંતુ અમને આવી કોઈ જ માહિતી ઈન્ટરનેટ પર જોવા મળી ન હતી. જો ખરેખર આવી કોઈ ગાઈડલાઈન બેન્કો દ્વારા બહાર પાડવામાં આવી હોત તો બેન્કનો સંપર્ક કરવાથી એની સચોટ માહિતી મળી જ રહે તે માટે અમે સૌપ્રથમ બેન્કનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી.

અમારી તપાસમાં સૌપ્રથમ અમે પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ફરજ પરના અધિકારી સાથે વાત કરી તો તેઓએ અમને જણાવ્યું હતું કે, “આ અંગે હું તમને વધુ માહિતી તો ના આપી શકુ પરંતુ એટલું જરૂર કહી શકુ કે આ પ્રકારની ઘણી બધી ખોટી માહિતી લોકો દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે. આવી કોઈ જ સિસ્ટમ હાલના તબક્કે ઉપલબ્ધ નથી.”

(ફોટો સૌજન્ય – ગુગલ)
ત્યાર બાદ અમે બેન્ક ઓફ ઈન્ડિયાનો સંપર્ક કર્યો હતો અને ફરજ પરના જવાબદાર અધિકારી સાથે વાત કરી તો તેઓએ અમને જણાવ્યું હતું કે, “અમારી બેન્કમાં આ પ્રકારે કોઈ જ સિસ્ટમ ઉપલબ્ધ નથી. આ ખોટો મેસેજ છે.”

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે એક્સિસ બેન્કના અધિકારી સાથે પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે વાત કરી હતી. તો તેઓએ અમને જણાવ્યું હતું કે, “અત્યાર સુધી આ પ્રકારની કોઈ સુવિધા બેન્ક દ્વારા ચાલુ કરવામાં નથી આવી અને હાલમાં પણ આવી કોઈ જ સુવિધા ઉપલબ્ધ નથી.”
અમે આગળ પણ અમારી તપાસ ચાલુ રાખી હતી અને અમે જાતે પણ આ અંગે એટીએમમાં જઈને પોસ્ટમાં દર્શાવવામાં આવેલી માહિતી મુજબ કામગીરી કરતાં અમને પણ એ જ જાણવા મળ્યું હતું કે, બેન્ક દ્વારા આવી કોઈ જ સિસ્ટમ ઉપલબ્ધ કરવામાં આવતી નથી. આ ખોટો મેસેજ છે.

આ સમગ્ર સંશોધનના અંતે અમે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની ઓફિશિયલ વેબસાઈટ પર પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણેની માહિતી શોધવાની કોશિસ કરી હતી. પરંતુ ત્યાં પણ અમને આ પ્રકારની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.

પરિણામ
આમ, અમારી પડતાલ/તપાસ કાર્યવાહીમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, હાલમાં રિઝર્વ બેન્ક કે અન્ય કોઈ પણ બેન્ક દ્વારા આ પ્રકારની કોઈ જ સુવિધા ઉપલબ્ધ નથી.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર એટીએમ પીન ઉલટો ટાઈપ કરવાથી પોલીસને થશે જાણ…? જાણો સત્ય
Fact Check By: Dhiraj VyasResult: False
