જાણો એશિયાના સૌથી મોટા કતલખાના અલ-કબીરના મોટાભાગના ડાયરેક્ટર બિન મુસ્લિમ હોવાની વાયરલ માહિતીનું શું છે સત્ય...
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એશિયાના સૌથી મોટા કતલખાના અલ-કબીર અંગેની માહિતી સાથેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એશિયાના સૌથી મોટા કતલખાના અલ-કબીરના મોટાભાગના ડાયરેક્ટર બિન મુસ્લિમ છે. 11 ડાયરેક્ટરોમાં બધા બ્રાહ્મણ અને વાણિયા જ છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, માંસ નિકાસ કરનાર એશિયાના સૌથી મોટા કતલખાના અલ-કબીરની શરૂઆત હૈદરાબાદના એક મુસ્લિમ પરિવારે કરી હતી. ગુલામુદ્દીન એમ શેખ તે સંસ્થાના સ્થાપક છે. તેઓ ચેરમેન-એમડીનું પદ ધરાવે છે. જો કે, તે પણ હકીકત છે કે કેટલાક બિન-મુસ્લિમોને પાછળથી સંસ્થાના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ માહિતી સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક રીતે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 13 સપ્ટેમ્બર, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, વક્ફ બોર્ડ માટે ઈ-મેલ કર્યો...પરંતુ પેલા "કતલ ખાના" બંધ કરવા તથા ગૌ-માતા "રાષ્ટ્રમાતા" જાહેર કરવા કોને ઈ-મેલ કરવા નો?🤔. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એશિયાના સૌથી મોટા કતલખાના અલ-કબીરના મોટાભાગના ડાયરેક્ટર બિન મુસ્લિમ છે. 11 ડાયરેક્ટરોમાં બધા બ્રાહ્મણ અને વાણિયા જ છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને 'ઓનર ઓફ અલ કબીર' સર્ચ કરતા અમને કંપનીની ઓફિશિયલ વેબસાઇટ મળી હતી. હૈદરાબાદ સ્થિત કંપનીના માલિકનું નામ ગુલામુદ્દીન એમ. શેખ છે. ગુલામુદ્દીન શેખનું નામ અને ચિત્ર કેન્દ્ર સરકારના નિકાસ-આયાત લાઇસન્સ દસ્તાવેજ પર દેખાય છે. વેબસાઇટ પર પણ તેની એક નકલ ઉપલબ્ધ છે. અલ-કબીર દ્વારા તેની વેબસાઇટ પર સંપૂર્ણ મુસ્લિમ માલિકીની કંપની તરીકે વર્ણવવામાં આવી છે.
ત્યાર બાદ અમને કંપનીના રેકોર્ડના આધારે ઇકોનોમિક ટાઇમ્સનો અહેવાલ પ્રાપ્ત થયો હતો, નિર્દેશકોની યાદીમાં શરૂઆતથી જ એક બિન-મુસ્લિમના નામની યાદી આપવામાં આવી છે. તેનું નામ સતીશ સુબ્બરવાલ છે. જો કે, અહેવાલમાં જણાવાયું છે કે કંપનીની સ્થાપના 1979માં કરવામાં આવી હતી અને ગુલામુદ્દીન મકબુલ શેખ અથવા ગુલામુદ્દીન એમ શેખ તે સમયે કંપનીના માલિક હતા, જેમાં તેમણે પદ સંભાળ્યું તે વર્ષનો સમાવેશ થાય છે. રેકોર્ડથી સ્પષ્ટ છે કે સતીશ સુબ્બરવાલે 1981 માં એક ડિરેક્ટર તરીકેની જવાબદારી સંભાળી હતી. યાદીમાંથી સ્પષ્ટ છે કે ઘણા લોકો પાછળથી કંપની ચલાવવા માટે તેમની સાથે જોડાયા હતા.
તેમજ પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોની પણ સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજ અને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને આ ફોટાનું અલ-કબીર સાથે સંપર્ક હોવાની કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેમજ આ ફોટા અંગેની કોઈ સ્પષ્ટ માહિતી પણ પ્રાપ્ત થઈ ન હતી.
તેમજ કંપનીની વેબસાઈટ પર પણ સ્પષ્ટતા કરતા જણાવવામાં આવ્યુ હતુ કે, “અલ કબીર એક્સપોર્ટ્સ પ્રા. લિમિટેડ, ભારતીય કંપની જે ભારતમાંથી મટન અને બીફની નિકાસ કરે છે, તે મુસ્લિમ કંપની છે. પ્રખ્યાત મુસ્લિમ હસ્તીઓ અને મુસ્લિમ માલિકીની કંપનીઓને બદનામ કરવા માટે મુસ્લિમ વિરોધી આયોજિત ચળવળ ચાલી રહી છે. પ્રાણીઓની અમાનવીય કતલની તસવીરોને સોશિયલ મિડિયા પર અલ કબીરના નામથી ફેલાવવામાં આવી રહી છે. જે એક મુસ્લિમ કંપનીને બદનામ કરવાનું આયોજિત કાવતરું છે. અલ કબીર માંસ 100% હલાલ છે અને કડક શરિયા માર્ગદર્શિકા અનુસાર છે.” કંપનીની આ સ્પષ્ટતા તમે નીચે વાંચી શકો છો.
અલ-કબીર કંપનીની વેબસાઈટ પર "સ્ટોરી ઓફ અલ-કબીર" શીર્ષક ધરાવતો એક યુટ્યુબ વીડિયો છે જે તેઓએ યુટ્યુબ પર શેર કર્યો છે. વીડિયોમાં સમજાવવામાં આવ્યુ છે કે, ગુલામુદ્દીન શેખ કંપનીના ચેરમેન અને એમડી છે અને આસિફ ગુલામુદ્દીન શેખ ડિરેક્ટર છે. વીડિયોમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે અરબ દેશોમાં નિકાસ કરાયેલા માંસ સહિત માંસની કતલ મુસ્લિમો દ્વારા હલાલ ધોરણો અનુસાર કરવામાં આવે છે.
તેમજ અલ-કબીરની મુખ્ય ઓફિસનો સંપર્ક સાધ્યો હતો. જ્યા હાજર કર્મચારી દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, “અલ-કબીરના નામે આ ફોટો ઘણા વર્ષોથી સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર પદ પર મોટા પ્રમાણમાં મુસ્લિમો છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, માંસ નિકાસ કરનાર એશિયાના સૌથી મોટા કતલખાના અલ-કબીરની શરૂઆત હૈદરાબાદના એક મુસ્લિમ પરિવારે કરી હતી. ગુલામુદ્દીન એમ શેખ તે સંસ્થાના સ્થાપક છે. તેઓ ચેરમેન-એમડીનું પદ ધરાવે છે. જો કે, તે પણ હકીકત છે કે કેટલાક બિન-મુસ્લિમોને પાછળથી સંસ્થાના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ માહિતી સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક રીતે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Sources
alkabeerexports.com
https://www.alkabeerexports.com/index.php/about/
economictimes.indiatimes.com
https://economictimes.indiatimes.com/company/al-kabeer-exports-private-limited/U51900MH1979PTC020951
Al Kabeer Group Me
https://youtu.be/sQ0N0odQQ6o
alkabeerexports.com
https://www.alkabeerexports.com/index.php/contact-us/