
હાલમાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ મોટા ભરેલા તપેલા માંથી પ્લાસ્ટિકની કોથડીમાં કોઈ વસ્તુ ભરતો જોવા મળે છે. પરંતુ વસ્તુ નાખતા પહેલા તે આ કોથડીમાં થુંકતો હોવાનું જોવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવે છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ભાવનગરની પાલવ પાવભાજીની દુકાનનો છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોને ભાવનગર સાથે કોઈ લેવા નથી. ભાવનગરની પાલવ પાવભાજી દ્વારા પણ ખુલાસો કરાયો છે કે, આ વિડિયો સાથે તેમને કોઈ લેવા નથી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Pankaj Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 એપ્રિલ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ભાવનગરની પાલવ પાવભાજીની દુકાનનો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને ayupp.com નામની વેબસાઈટ પર 10 જૂલ 2020ના પ્રસારિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ વિડિયોનો સ્ક્રિનશોટ મુકવામાં આવ્યો હતો. (વેબસાઈટ લિંક)
આમ, ઉપરોક્ત પરિણામ પરથી એ તો સાબિત થયુ કે, આ વિડિયો હાલનો નથી.
ત્યારબાદ અમે ભાવનગરની પાલવ પાવભાજીના સંચાલક અબ્બાસભાઈ અલીભાઈ સૈયદનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહેલા વિડિયો સાથે અમારે કોઈ સંબંધ નથી, આ વિડિયો અમારી શોપ પર નો પણ નથી, તેમજ આ વિડિયોમાં જોવા મળતા વ્યક્તિ અમારી શોપના કારિગર પણ નથી, અમને બદનામ કરવા માટે આ પ્રકારનો વિડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અમે છેલ્લા 33 વર્ષથી આ વ્યવસાય સાથે જોડાયેલા છીએ. અમે આ ખોટી માહિતીથી દૂર રહેવા લોકોને વિંનતી કરી રહ્યા છીએ અને આ માટે અમે ન્યુઝ પેપરમાં નોટિસ પણ આપેલી છે.”
તેમણે વકિલની નોટીસ અમને મોકલાવી હતી. જેમાં તેમણે વકિલ મારફત કહ્યુ હતુ કે, “સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહેલો વિડિયો અમારો નથી, અમને બદનામ કરવા અને અમારા ધંધાને નુકશાન કરવા આ વિડિયો શેર કરવામાં આવી રહ્યો છે. અમારી સામે કોઈ ફરિયાદ થઈ નથી, આ નોટિસ વાંચયા બાદ જો કોઈ આ વિડિયોને અમારા નામ સાથે જોડી વાયરલ કરશે તો અમે કાયદેસરની કાર્યવાહી કરીશું.”

તેમજ આ નોટીસને અબ્બાસભાઈ અલીભાઈ સૈયદ દ્વારા ગુજરાત સમાચાર અને સૌરાષ્ટ્ર સમાચાર ન્યુઝ પેપરમાં 14 એપ્રિલ 2022ના પ્રકાશિત કરવામાં આવી હતી. જેમાં પણ આ જ માહિતી આપવામાં આવી હતી. જેમાં પણ આ વિડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરનાર સામે કાનુની કાર્યવાહી કરવાનું જણાવવામાં આવ્યુ છે. આ ન્યુઝ પેપરનું કટિંગ તમે નીચે વાંચી શકો છો.

તેમજ તેમણે તેમની શોપનો ફોટો પણ અમારી સાથે શેર કર્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ અમે અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે ભાવનગર પોલીસનો સંપર્ક સાધ્યો હતો. ભાવનગર શહેરના પોલીસ અધિકારી સહદેવસિંહએ અમને જણાવ્યુ હતુ કે, “આ વિડિયોને ભાવનગર સાથે કોઈ લેવા-દેવા નથી. આ વિડિયો ખોટા દાવા સાથે સોશિયલ મિડિયામાં શેર કરવામાં આવી રહ્યો છે. હાલમાં આ પ્રકારની કોઈ ઘટના ભાવનગરમાં બનવા પામી નથી. તેમજ ભાવનગરના સોશિયલ મિડિયામાં આ વિડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોને ભાવનગર સાથે કોઈ લેવા નથી. ભાવનગરની પાલવ પાવભાજી દ્વારા પણ ખુલાસો કરાયો છે કે, આ વિડિયો સાથે તેમને કોઈ લેવા નથી.

Title:શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ભાવનગરની પાલવ પાવભાજીનો છે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: False
