
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, યશ મઠિયાનો માલિક ઈસ્માઈલ નામનો મુસ્લિમ વ્યક્તિ છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે માહિતી આપવામાં આવી છે તેનું ખંડન યશ મઠિયાના માલિકે કર્યું છે. યશ મઠિયાના ત્રણેય માલિક પટેલ એટલે કે હિંદુ છે. આ ફોટોની માહિતીને સોશિયલ મીડિયા પર ખોટી રીતે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 19 ઓક્ટોમ્બર, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, *યશ ના મઠિયા* *યશ* મઠિયા નો માલિક ઈસ્માઈલ નામનો મુસલમાન છે અને તે *યશ* નામના હિંદુ નામથી ધંધો કરે છે. દિવાળી ના પવિત્ર તહેવાર પ્રસંગે શું તમે એક મુસલમાન ના હાથે બનેલા *યશ* બ્રાન્ડ ના મઠિયા, ચોળાફળી કે જેની અશુધ્ધતાની પૂરેપૂરી ગેરંટી છે, તે આરોગવાનુ પસંદ કરશો ? શું આપના માનવંતા મહેમાનોનું સ્વાગત અનેક પ્રકારની ગંદકી થી ખદબદતા નાસ્તા થી કરશો ?મહેરબાની કરી આપણા સૌથી મોટા તહેવાર દિવાળીમાં આપની પસંદગીના કોઈપણ હિંદુ ઉત્પાદકે બનાવેલા મઠિયા, ચોળાફળી જ ખરીદો. *ધર્મની રક્ષા હવે આપના હાથમાં છે.* આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, યશ મઠિયાનો માલિક ઈસ્માઈલ નામનો મુસ્લિમ વ્યક્તિ છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોની માહિતીને ધ્યાનથી જોયા બાદ સીધો જ સંપર્ક યશ મઠિયાના માલિક ઋષિલભાઈ પટેલનો કરતાં તેઓએ અમને આ માહિતી તદ્દન ખોટી હોવાનું જણાવ્યું હતું. વધુમાં તેઓએ અમને તેમના પિતા દેવેન્દ્રભાઈ પટેલ કે જે પણ આ કંપનીના માલિક છે તેમના દ્વારા આપવામાં આવેલું નિવેદન મોકલ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, મારી કંપનીનું નામ શ્રી ગણેશ ગૃહ ઉદ્યોગ છે. હું છેલ્લા 27 વર્ષથી મારા તમામ ગ્રાહકોના સાથ સહકારથી અને સહ પ્રેમથી પાપડ મઠીયા ચોળાફળી નું ઉત્પાદન કરું છું મારી કંપનીના નામના whatsapp મેસેજ તદ્દન ખોટો છે. જે ગેરમાર્ગે દોરે છે. તો આ સાથે હું ખાસ જાણવા માગું છું કે, આવા ખોટા મેસેજ ફરે છે જે મારા ગ્રાહકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તો આવા મેસેજને સાચો માનવો નહીં. ૨૭ વર્ષથી પાપડ મઠિયા ચોળાફળીનું સાચી ગુણવત્તા અને શુદ્ધતાથી આપતાં રહ્યાં છીએ અને આપતા રહીશું.
ત્યાર બાદ ઋષિલભાઈએ આ અંગે જે-તે સમયે દિવ્યભાસ્કર અને ગુજરાત સમાચારપત્રમાં આ અંગેની સ્પષ્ટતા અંગેની જાહેરાત પણ આપી હોવાના ફોટા અમને મોકલ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
વધુમાં તેઓએ અમને કંપનીની રજીસ્ટ્રેશન અંગેની માહિતીનો ફોટો પણ મોકલ્યો હતો જેમાં તમે ત્રણેય પટેલ એટલે હિંદુ માલિકોના નામ જોઈ શકો છો.
ત્યાર બાદ તેઓએ તેમની કંપની યશ પાપડના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ અંગે સ્પષ્ટતા કરતા વીડિયોની લિંક અમને મોકલી હતી. જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે માહિતી આપવામાં આવી છે તેનું ખંડન યશ મઠિયાના માલિકે કર્યું છે. યશ મઠિયાના ત્રણેય માલિક પટેલ એટલે કે હિંદુ છે. આ ફોટોની માહિતીને સોશિયલ મીડિયા પર ખોટી રીતે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાણો યશ મઠિયાનો માલિક મુસ્લિમ હોવાના નામે વાયરલ થઈ રહેલા ફોટોની માહિતીનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
