
તાજેતરમાં સોશિયલ મીડિયા પર સલુનમાં માથાનો મસાજ કરાવી રહેલા યુવાનું મોત થયું હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક સલુનમાં વાળંદ દ્વારા યુવાનના માથાનો મસાજ કરવતાં તેનું મોત થયું હોવાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં સલુનમાં માથાનો મસાજ કરાવી રહેલા યુવાનું મોત થયું હોવાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ કોઈ વાસ્તવિક ઘટનાનો નહીં પરંતુ કાલ્પનિક રીતે લોકજાગૃતિ માટે બનાવવામાં આવેલો સ્ક્રિપ્ટેડ વીડિયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે?
એક ફેસબુક યુઝર દ્વારા 11 નવેમ્બર, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, *હૅડ (માથા) નું મસાજ કરાવતાં એક યુવાન નું મોત થઈ ગયું…..* *આ જોતા એમ લાગે કે થાક ઉતારવા, અને રિલેક્સ થવા ધામા -ઉધામા ના કરવાં…..*સાજી પુંઠે આકડો ના મુકાવો…..*. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક સલુનમાં વાળંદ દ્વારા યુવાનના માથાનો મસાજ કરવતાં તેનું મોત થયું હોવાનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે આ સંપૂર્ણ વીડિયોને ધ્યાનથી જોયા બાદ વીડિયોની અંતમાં લખેલા લખાણ પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, આ વીડિયો લોકોમાં મનોરંજન અને જાગૃતિ માટે બનાવવામાં આવ્યો છે. આ વીડિયોને દુનિયામાં કેવી પરિસ્થિતિઓ સાથેની વાસ્તવિક ઘટનાઓ બને છે એ સમજાવવા બનાવવામાં આવ્યો છે.
ત્યારબાદ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો Sanjjanaa Galrani નામના એક સત્તાવાર ફેસબુક પેજ દ્વારા 7 નવેમ્બર, 2024 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવું લખવામાં આવ્યું હતું કે, અનુભવ બાબત..! 😲😲 તમને ક્યારેય આવું થવાનો ડર લાગ્યો છે? તમારો અનુભવ કોમેન્ટ કરો.
ઉપરોક્ત વીડિયોની નીચે પણ એવી માહિતી આપવામાં આવી છે કે, જોવા માટે આભાર! મહેરબાની કરીને નોંધ કરો કે આ પૃષ્ઠ પર સ્ક્રિપ્ટેડ નાટકો, પેરોડીઝ અને જાગૃતિ વીડીયો છે. આ ટૂંકી ફિલ્મો માત્ર મનોરંજન અને શૈક્ષણિક હેતુઓ માટે બનાવવામાં આવી છે. વીડિયોમાં દર્શાવવામાં આવેલા તમામ પાત્રો અને પરિસ્થિતિઓ કાલ્પનિક છે અને તેનો હેતુ જાગૃતિ, મનોરંજન અને શિક્ષિત કરવાનો છે.
આ ફેસબુક પેજ પર વધુ સર્ચ કરતાં અમને એ જાણવા મળ્યું હતું કે, અન્ય ઘણા બધા વીડિયો આ ચેનલ દ્વારા લોકજાગૃતિ અને મનોરંજન માટે બનાવવામાં આવ્યા છે. ઘણા બધા વીડિયોમાં તમે એક જ કલાકારોને જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં સલુનમાં માથાનો મસાજ કરાવી રહેલા યુવાનું મોત થયું હોવાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ કોઈ વાસ્તવિક ઘટનાનો નહીં પરંતુ કાલ્પનિક રીતે લોકજાગૃતિ માટે બનાવવામાં આવેલો સ્ક્રિપ્ટેડ વીડિયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770)પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagramઅને Twitterપર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાણો માથાનું મસાજ કરાવતા યુવાનનું મોત થયું હોવાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: Misleading
